SURAT

સુરતમાં મોરાની સરકારી જમીન પર બનેલા ક્રિકેટ ગ્રાઉન્ડને સરપંચે પિતાનું નામ આપી દીધું!!!

સુરતઃ સુરત (Surat) જિલ્લાના ચોર્યાસી (Choryasi) તાલુકાના મોરા (Mora) ગામના સરકારી જમીન (GovernmentLand) પર બનેલા વિવાદી ક્રિકેટ ગ્રાઉન્ડમાં (CricketGround) આજે નવો ફણગો ફુટ્યો છે. મોરા ગામના સરપંચ (Sarpanch) ભરત પટેલે ગ્રાઉન્ડની જમીન ઘરની પેઢીની હોય તેમ આખા ગ્રાઉન્ડનું નામ પિતાના નામે નામાભિધાન કર્યું છે.

ભારત સરકારે પંચાયતી રાજમાં (PanchayatiRaj) અનેક સુધારા કર્યા છતાં પણ હજી સરપંચ ગામના રાજા હોય તે રીતે વર્તી રહ્યાં છે. આ વાતનું તાજુ ઉદાહરણ મોરા ગામના સરપંચ ભરત પટેલની કાર્યશૈલીથી દેખાઈ આવે છે. મોરાના સરકારી સર્વે નંબર 148 વાળી જમીન પર સરપંચે આખેઆખુ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી દીધું છે.

પ્રોફેશનલ ક્લબ કે ગ્રાઉન્ડ હોય તે મુજબ અદલોઅદલ લીલુંછમ બનાવ્યું હતું. મોરાની આ જમીનમાં સાત સાત ફુટ જેટલું જંગી પુરાણ પણ કરવામાં આવ્યું હતું. આ પુરાણમાં વેસ્ટ કેમિકલનો ઝેરી રાસાયણિક કચરો પાથરવા સહિત સરકારી પ્લોટમાંથી માટી પણ ખોદી પાથરી દીધી હતી.

આ ઉપરાંત સ્ટેડિયમને પોતાના પેઢીનું હોય તેમ જેપી ક્રિકેટ ક્લબ (જમુ પરષોત્તમ) નામ આપી દીધું હતું. સરકારી જમીનના ગ્રાઉન્ડને પિતાના નામે ક્લબ બનાવનાર સરપંચે પુછપરછ કરતા ઉડાઉ જવાબ આપ્યા હતા. બીજી તરફ આ ઘટનાને લઈને હજીરા વિસ્તારના ગામોમાં પણ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. મોરા ગામના આ સરપંચ મહાશયે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સરકારી જમીનને વધેરી નાખી છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાત વિજ કંપનીને પણ મસમોટો ફટકો માર્યો છે.

સ્ટ્રીટ લાઈટના કનેક્શનના નામે રાક્ષસી કદનું ટ્રાન્સફોર્મર પણ મુકાવી દીધું હતું. જેથી નાઈટ ટુર્નામેન્ટ દરમિયાન ગ્રાઉન્ડ પર પુરતો પ્રકાશ મળી રહે. કહેવાય છે કે લાખો રૂપિયાના ખર્ચે સ્ટેડિયમમાં ચારેય દિશામાં હાઈમાસ્ટર ટાવર ઉભા કરી ફુલ પ્રકાશવાળી લાઈટો મુકી દેવાઈ છે.

સરપંચ ભરત પટેલે બે વખત ફોન ન ઉપાડ્યો અને ત્રીજી વખતે ઉદ્ધતાઈ પૂર્વક ઉડાઉ જવાબ આપ્યો
મોરાની સરકારી જમીન પર થયેલા દબાણને લઈને પુછપરછ કરવા સરપંચ ભરત પટેલને ફોન કરાયો હતો. શરૂઆતમાં બે વખત તેમને ફોન ઉપાડ્યો નહોતો. જ્યારે ત્રીજા પ્રયત્ને તેમને ફોન ઉંચકી તમારી જે છાપવું હોય તે છાપો જેવા વાક્યો ઉચ્ચારી ઉદ્ધત જવાબો આપ્યા હતા.

ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરે તપાસના આદેશ આપ્યા
ડીજીવીસીએલ રૂરલ વિભાગના પીપલોદ ડિવીઝનના કાર્યપાલક ઇજનેર ગોધાણીએ આ મામલે સંપૂર્ણ અહેવાલ મંગાવ્યો છે. તેમને જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટનો બીજો ઉપયોગ થતો હશે તો જરૂર પગલા લેવાશે. આગામી દિવસોમાં તેમને આ અંગે વધુ વિગત આપવા જણાવ્યું છે.

Most Popular

To Top