Charchapatra

સરકાર અમૃતમંથનનું વિચારે તે જરૂરી છે!

વેદકાલીન કથામાં અમૃતમંથનમાંથી વિષ પણ નીકળ્યું હતું. આજે એ કથા સાથે વ્યથા વધી છે, સમુદ્રોમાં વિષ સમાન પ્રદૂષણોના વધી રહેલા પ્રમાણની. માનવસમાજ પવિત્રતા અને સ્વચ્છતા માટે સ્નાન કરે છે અને ગંગાસ્નાનને સર્વોત્તમ ગણે છે, તે ગંગા જેવી શ્રદ્ધેય નદીઓ પણ પ્રદૂષિત થઈ ગઈ છે. જમીન પર, હવામાં અને પાણીમાં બધે જ પ્રદૂષણો પ્રસર્યા છે. પર્યાવરણ સૂચક અંકમાં દુનિયાના 180 દેશોમાં ભારતનો ક્રમ સૌથી છેલ્લો છે. ભારતમાં હવાની ગુણવત્તા ચિંતાજનક રીતે બગડી રહી છે. દરિયામાં થતાં પ્રદૂષણોથી વાવાઝોડાની તીવ્રતા વધી છે. જહાજોમાંથી ઢોળાતા ઓઈલ અને કેમિકલયુક્ત પાણીના કારણે અરબી સમુદ્રનાં જળચરો સામે જોખમ વધ્યું છે.

અરબી સમુદ્રમાં પ્લાસ્ટિક, ઓઈલ, સમગ્ર વર્ષ દરમિયાન જમીન ઉપર થતું પ્રદૂષણ વરસાદ વખતે નદીઓમાં ભળી દરિયામાં જાય છે. દરિયાકાંઠાઓ પણ દરિયાના પ્રદૂષણોને કારણે ભરતીના સમયે આવતા પાણીથી પ્રદૂષિત થાય છે. ગ્લોબલ વોર્મિગ અને ક્લાઈમેટ ચેન્જની અસરથી પૃથ્વીના વાતાવરણમાં ઝડપથી બદલાવ આવે છે. ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન વધતા સમુદ્રો પ્રદૂષિત થયા છે. દરિયાઈ પ્રદૂષણોમાં કેમિકલ ડિટરજન્ટના અંશો, ખાતર, જંતુનાશક દવાઓ, પર્સિસ્ટન્ટ ઓફ ઓર્ગેનિક પોલ્યુટન્ટ જેવા હાનિકારક પદાર્થો કે જે સદીઓ સુધી નાશ પામતા નથી તે સમુદ્રોમાં જમા થાય છે. સમુદ્રોની જીવસૃષ્ટિને નુકસાન કરે છે. ભારતમાં આઝાદીના અમૃત મહોત્સવ ટાણે સમુદ્રોના અમૃતમંથનનો વિચાર જન્મે છે. ઓઈલ ક્ષાર કામના કુવાઓ સુરક્ષિત બનાવવા જોઈએ.

જેનો પ્રચાર જોરશોરથી થાય છે, તેવા પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે પણ યોગ્ય ઉપાયો યોજવા પડશે. પ્લાસ્ટિક ઉપયોગને નિયમબદ્ધ કરવો રહ્યો તેમજ 100% રિસાયકલિંગ થવું જોઈએ. ઓઈલ પોલ્યુશન અટકાવવા માટે કોસ્ટ ગાર્ડે સર્તકતા વધારવી જોઈએ. ઔદ્યોગિક પાણીનું શુદ્ધિકરણ કરી ફરી વપરાશમાં લેવું જોઈએ અને ઉદ્યોગોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી કોઈ પણ રીતે દરિયામાં, નદીમાં કે ખાડીમાં જવું જોઈએ નહીં. પૃથ્વીની આબોહવા દરિયો નક્કી કરે છે અને દરિયાની અંદર થતા ફેરફારોને કારણે આબોહવા પર ખૂબ મોટી અસર થાય છે. તેથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું કરી ક્લાઈમેટ ચેન્જની અસરો અટકાવી શકાય. આજના અમૃતમંથનમાં માનવસમાજની જ જવાબદારી બની રહે છે અને પ્રદૂષણોનું ઠલવાતું વિષ રોકવાની જવાબદારી પણ માનવસમાજની જ ગણાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top