ઉમરગામ: (Umargam) સરીગામ જીઆઇડીસી (GIDC) સ્થિત ઓઇલ બનાવતી એક કંપનીમાં ભીષણ આગ (Fire) લાગતા બે મહિલા સહિત પાંચ જેટલા કામદારો દાઝી જતા દોડધામ મચી જવા પામી હતી. ભીષણ આગના કારણે મેજર કોલ જાહેર કરાયા હતો સરીગામ ઉમરગામ વાપી ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવવા કામે લાગી હતી.
- સરીગામ GIDCની ઓઈલકેમ ઈન્ડ.માં ભીષણ આગથી અફરાતફરી, પાંચ કારીગરો દાઝ્યા
- ધડાકાભેર ડ્રમ ફાટતાં તેમજ ઊંચે સુધી ધુમાડા ઉઠતાં ભયનો માહોલ, બાજુની એક કંપની પણ ઝપેટમાં આવી ગઈ
- મેજર કોલ જાહેર કરાયો, ચાર શહેરોની ફાયરની ટીમોની આગ બુઝાવવા ઝઝૂમી
જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસી એન્જિનિયરિંગ ઝોનમાં આવેલી ઓઇલ બનાવતી Oilchem Industries (ઓઇલકેમ ઇન્ડસ્ટ્રીઝ) પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં શનિવારે મોડી સાંજના કોઈક કારણસર બ્લાસ્ટ સાથે આગ લાગતા કંપનીમાં કામ કરી રહેલી બે મહિલા સહિત પાંચ જેટલા કામદારો દાઝી ગયા હતા અને સામાન્ય ઇજાઓ થઈ હતી. તાત્કાલિક આ કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે ભિલાડ શ્રીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આગના બનાવની જાણ થતા જ કંપનીના સંચાલકો તેમજ ભીલાડ પોલીસ પણ દોડી આવી હતી. સરીગામ, ઉમરગામ, વાપી, દમણ, સેલવાસ ફાયર ફાઈટરની ટીમો દોડી આવી આગ બુઝાવવા કામે લાગી હતી. આગ ખૂબ જ ભિષણ હતી. ઓઇલના ડ્રમો ધડાકાભેર ફાટ્યા હતા અને બાજુમાં આવેલી એક કંપની પણ ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જો કે આગ ખૂબ જ ભીષણ હોય મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે, આગના કારણે મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.