સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં નોટિફાઇડ એરિયા ગ્રાન્ટમાંથી રૂપિયા 40 લાખના ખર્ચે એલઇડી લાઇટ મૂકવામાં આવી હતી. જેનું કામ પૂર્ણ થતા ઇન્ચાર્જ સરપંચ પંકજભાઈ રાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણને કારણે રાજકારણ ગરમાયું હતું અને બીજા જ દિવસે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી સહિત આગેવાનોએ પણ આજ લાઈટનું લોકાર્પણ કરતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં નોટીફાઇડ એરિયા ગ્રાન્ટ અંતર્ગત વિકાસના કામોને આયોજનમાં લઈ મંજૂર કરવા અધ્યક્ષ નોટીફાઇડ એરિયા ગ્રાન્ટ વિકાસ અમલીકરણ સમિતિ અને કલેક્ટર વલસાડ તેમજ મંત્રી રમણભાઇ પાટકરને વિકાસના કામોને મંજૂર કરવા ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેથી રૂપિયા ૪૦ લાખના ખર્ચે એલ.ઇ.ડી. લાઇટ વીથ પોલના વિકાસના કામને મંજુરી મળી હતી. આ કામ પૂર્ણ થતાં સરીગામના ઇન્ચાર્જ સરપંચ પંકજ રાય અને આગેવાનો દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવતા સરીગામ બાયપાસ રોડથી મુખ્ય રોડ ડુંગરી ફળિયા, મેન બજાર, દક્ષિણી ફળિયા, ત્રણ રસ્તા, રોહીતવાસ નહેર મેન રોડ મુખ્ય રસ્તા સુધી લગાડવામા આવેલ લાઈટો ઝળહળી ઉડતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.
ઇન્ચાર્જ સરપંચે ભાજપ આગેવાનોને જાણ કર્યા વગર લોકાર્પણ કરતા રાજકારણ ગરમાયું
કહેવાય છે કે સરીગામ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ પંકજ રાય દ્વારા ભાજપ આગેવાનોને જાણ કર્યા વગર જ આ કામનું લોકાર્પણ કરવામાં આવતા સરીગામમાં રાજકારણ ગરમાયું હતું અને બીજા જ દિવસે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી સહિત ભાજપ આગેવાનો દ્વારા પણ આજ સ્ટ્રીટ લાઇટના કામનું ઉદ્ઘાટન લોકાર્પણ કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ હતી.