સુરત: સુરતના (Surat) મિની હીરાબજારમાં સેફ ડિપોઝિટ વોલ્ટમાં (Saif Deposit Walt) 7 લાખની કિંમતના હીરાનું (Diamond) પેકેટ મૂકવા જતી વખતે પેકેટ પડી ગયું હતું. આ પડીકું સુરતની કાપડ માર્કેટમાં (Textile Market) સાડીની દુકાન ચલાવતા ભાઈઓને મળતાં તેમણે સુરત ડાયમંડ એસોસિએશનના (SDA) પદાધિકારીઓને જાણ કરી 7 લાખના હીરાનું પડીકું જમા કર્યું હતું. આ ઘટનાની જાણ જેનું પડીકું પડી ગયું હતું તેમણે ડાયમંડ એસો.માં જઈ વિગત આપતાં મૂળ માલિકને પરત કરવામાં આવ્યું હતું. આ મામલે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રમાણિકતા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા બંને સાડીના વેપારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
- સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકવા જતી વખતે હીરા વેપારીનું 7 લાખનું પડી ગયેલું પડીકું સાડીના વેપારીઓએ પરત કર્યું
- તમામ પુરાવા ચકાસી સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ ખાતે મૂળ માલિકને પડીકું સુપરત કર્યુ
સુરતના કાપોદ્રા સાગર સોસાયટી ખાતે રહેતા કલ્પેશભાઈ લાભુભાઈ જેતાણી હીરા મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. ગત 17 ડિસેમ્બરે 7 લાખના હીરાનું પેકેટ લઈ મિની બજાર પ્રિન્સેસ પ્લાઝામાં ગયા હતા. એ દરમિયાન તેમનું 7 લાખનું હીરાનું પેકેટ પડી ગયું હતું. હીરાનું પેકેટ સેફમાં જ છે. એવું માની તેઓ 26 ડિસેમ્બરના દિવસે જ્યારે તેઓ સેફ ડિપોઝિટ વોલ્ટમાં ગયા ત્યારે તેમને જાણ થઈ કે, હીરાનું પેકેટ વોલ્ટમાં જમાં છે એ એમની ભ્રમ છે.
હકીકતમાં પેકેટ વોલ્ટમાં જતી વખતે પડી ગયું હતું. તા.17 ડિસેમ્બરના રોજ પુણા ગામ સ્થિત તિરુપતિ સોસાયટીમાં રહેતા અને ટેક્સટાઈલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા ધર્મેશભાઈ સખીયા તેના ફોઈના દીકરા જગદીશ સુખડિયા સાથે પ્રિન્સેસ પ્લાઝા સેફમાં ગયા હતા. તેઓને આ હીરાનું પેકેટ મળ્યું હતું. બંને ભાઈઓએ આ હીરાનું પેકેટ મૂળ માલિકને પરત આપવા પ્રિન્સેસ પ્લાઝામાં તપાસ પણ કરી હતી એ પછી ડાયમંડ એસો.માં આ પડીકું જમા કરાવી દીધું હતું.
એસો.એ મિની બજાર માર્કેટની નોટિસ બોર્ડ પર જાહેરાત લગાવતાં હીરાનું પેકેટ શોધી રહેલા હીરા વેપારીને આ જાહેરાતની જાણ થતાં તેમણે ડાયમંડ એસો.નો સંપર્ક કર્યો હતો. તમામ પુરાવા ચકાસી સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ ખાતે પ્રમુખ નાનુભાઈ વેકરિયા, પૂર્વ પ્રમુખ બાબુભાઈ છોડવડી, ઉપપ્રમુખ જગદીશભાઈ ખુંટ, મંત્રી દામજીભાઈ માવાણી, સહમંત્રી ભૂપતભાઈ કનાળા, ખજાનચી મોહનભાઈ વેકરિયા, વિનુભાઈ કોટડા, ભરતભાઈ અવૈયાની હાજરીમાં પેકેટ મૂળ માલિકને સુપરત કરવામાં આવ્યું હતું.