ભરૂચ: સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) સપાટી સીઝનમાં (Rainy Season) પ્રથમ વાર 131 મીટરે પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમની સપાટી પ્રવર્તમાન ચોમાસાની મૌસમમાં મંગળવારે સાંજે 6 કલાકે પ્રથમ વાર 131 મીટરની (Water Level) ઉપર ગઈ છે. ડેમ હવે તેની સર્વોચ્ચ સપાટીને સ્પર્શવાથી 7.57 મીટર દૂર છે.
ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે 49,563 ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે. ડેમની સપાટીમાં ગત 24 કલાકમાં 13 સેમીનો વધારો નોંધાયો છે.
- ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં સરેરાશ 49,563 ક્યુસેક આવક સામે 44,038 ક્યૂસેક નદીમાં ઠલવાતું પાણી
- ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા ગામોને એલર્ટ કરાયાં
નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને અનુલક્ષીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને સાબદુ કર્યું છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદારો, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તકેદારી અને વોર્નિંગ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે
નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, વાંસલા, ગંભીરપુરા, સુરજવડ, સાંજરોલી અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના તિલકવાડા, રેંગણ, વાડિયા, વાસણ અને વિરપુર તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ, ગુવાર, રામપુરા, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા, ભદામ, રાજપીપલા અને પોઈચા ગામોના ગ્રામજનોને નદીમાં અવરજવર ન કરવા તથા પશુઓની અવરજવર ન થાય તે માટે વોર્નિંગ મેસેજથી સાવચેત કરવામાં આવ્યાં છે. જરૂર જણાયે સ્થળાંતર પ્લાન અધ્યતન રાખવા પણ જણાવ્યું છે.
બુધવારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 131.11 મીટરે પહોંચી
બુધવારે બપોરે 12 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 131.11 મીટરે નોંધાઈ છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 49,398 ક્યૂસેક જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં જાવક 44,038 ક્યૂસેક અને કેનાલ હેડ પાવરહાઉસમાંથી પાણીની જાવક 5296 સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 131.04 મીટરે નોંધાઈ છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 57,017 ક્યૂસેક જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં જાવક 44,144 ક્યૂસેક અને કેનાલ હેડ પાવરહાઉસમાંથી પાણીની જાવક 5,296 ક્યૂસેક થઈ રહી છે