આણંદ: (Anand) વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં (Sardar Patel University) છેલ્લા કેટલાક વરસોથી વિદ્યાર્થીઓને માર્કશીટમાં ફક્ત ગ્રેડ જ દર્શાવવામાં આવતાં હતાં. જેને કારણે આગળ જતાં વિદ્યાર્થીને અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથેની હરિફાઈમાં હાલાકી ભોગવવી પડતી હતી. આથી, માર્ક સાથેની માર્કશીટ આપવાની રજુઆતો કરતાં આખરે યુનિવર્સિટીએ ભુલ સુધારી છે અને આ વરસથી નવા ડ્રાફ્ટ પ્રમાણેની માર્કશીટ આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીને ગ્રેડની સાથે માર્ક્સ દર્શાવતી માર્કશીટ આપવામાં આવશે. આ નિર્ણય સોમવારે યોજાયેલી સિન્ટીકેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો.
વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં છેલ્લા સાતેક વરસથી સીબીસીએસ સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓને માર્કશીટમાં ફક્ત ગ્રેડ તેમજ ફાયનલ માર્કશીટમાં સીજીપીએ અને સમકક્ષ ટકાવારી દર્શાવતી માર્કશીટ આપવામાં આવતી હતી. જોકે, રાજ્ય સરકાર દ્વારા જ્યારે કોઇ પણ પ્રકારની ભરતી કરવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓએ મેળવેલા માર્ક સાથે વિવિધ સેમેસ્ટરના માર્કસ માંગવામાં આવે છે.
આથી, વિદ્યાર્થીઓને દુર દુરના ગામડાંઓમાંથી યુનિવર્સિટી ખાતે માર્ક્સ માટેનું સ્ટેટમેન્ટ મેળવવા યુનિવર્સિટીમાં ધક્કો ખાવો પડતો હતો. સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ એડમીશન વખતે માર્ક્સની માગણી કરવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલની ગ્રેડ સિસ્ટમની માર્કશીટમાં અપાતી ટકાવારી અને ખરેખર ટકાવારીમાં તફાવત આવતા મુશ્કેલી ઉભી થાય છે. રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં પણ ગ્રેડની સાથે માર્ક્સ બંને આપવામાં આવે છે. તેવી જ રીતે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ હવે નવી માર્કશીટમાં ગ્રેડ સાથે માર્ક્સ દર્શાવવામાં આવશે. આ નવા ડ્રાફ્ટ પ્રમાણેની માર્કશીટ વર્ષ 2021-22થી ક્રમશઃ અમલ કરવામાં આવશે.
આ અંગેનો નિર્ણય સોમવારના રોજ યોજાયેલી સીન્ડીકેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ અંગે વાઇસ ચાન્સેલર ડો. શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, અન્ડર ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર 6 અને પોસ્ટ ગ્રેજ્યેશનના સેમેસ્ટર 4માં ચાલુ વરસે જ નવા ડ્રાફ્ટ પ્રમાણેની ગ્રેડ સાથે માર્કસ દર્શાવતી માર્કશીટ આપવામાં આવશે.
સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફી માટે માગણી
સરદાર પટેલ યુનિવર્સિટીના સેનેટ એન્ડ સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં 3જી ઓક્ટોબર, 2020ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રનો અમલ કરી આગામી શૈક્ષણીક વર્ષ 2021 – 22 માં તમામ કોલેજોમાં 50 % ફી માફ કરવી જોઈએ. વર્ષ 2020 – 21માં કોરોના મહામારીને કારણે સરદાર પટેલ યુનિવર્સિટીમાં અન્ડર ગ્રેજ્યુએટ સેમેસ્ટર 2 અને 4માં મેરિટ બેસ્ડ પ્રમોશન આપવામાં આવ્યું હતું. બાદમાં યુનિવર્સિટી દ્વારા એફવાય અને એસવાયનાં વિદ્યાર્થીઓની પરિક્ષા ફી આગામી સેમેસ્ટરમાં મર્જરે કરી આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ પરિપત્રનો યુનિવર્સિટી દ્વારા હજી સુધી એક પણ કોલેજોમાં અમલ કરવામાં આવ્યો નથી. જેથી જે વિદ્યાર્થીઓ વર્ષ 2020 – 21માં હતા તેમને મેરિટ બેસ્ડ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
હાલમાં તેઓ સેમેસ્ટર-6માં છે. આ વિદ્યાર્થીઓની ફકત પરિક્ષા જ બાકી છે . તેથી આ વિદ્યાર્થીઓની કોલેજ પણ પુરી થઈ ગઇ છે. પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓને પરિક્ષા ફી મર્જરે કરી આપવામાં આવી નથી. વર્ષ 2020 – 21 માં સેમેસ્ટર 5 અને 6ની શૈક્ષણિક ફીની સાથે સાથે વિદ્યાર્થીઓએ પરિક્ષા ફી પણ ભરી દીધી હોવાથી સેમેસ્ટર 2 અને 4નાં વિદ્યાર્થીઓની પરીક્ષા ફી જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓને પરિક્ષા ફી પરત આપવી જોઈએ. હાલનાં સમયમાં કોલેજો પણ બંધ છે અને ફકત ઓનલાઈન શિક્ષણ કાર્ય જ ચાલુ હોવાથી યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2021 – 22 માં તમામ કોલેજોમાં 50 ટકા ફી માફ કરવી જોઈએ.
કોલેજો બંધ છે છતાં વિવિધ હેડ હેઠળ ફીની માગણી કરી
હાલના સમયમાં કોરોના મહામારી સાથે સાથે મ્યુકોરમાઇસિસ નામના નવા રોગની મહામારી પણ ચાલી રહી છે . જેમની સારવારનો ખર્ચ આશરે 10 લાખ રૂપિયા જેટલો થાય છે. કોરોનાની બીજી લહેરમાં ઘણાં બધાં વિદ્યાર્થીઓએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. હાલમાં રાજયમાં આંશિક લોકડાઉન હોવાથી ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે જીવન ચલાવવું ખુબ જ મુશ્કેલ છે. આ ઉપરાંત કોલેજ પણ બંધ છે. આમ છતાં કોલેજો દ્વારા જીમખાના ફી, યુનિવર્સિટી ડેવલપમેન્ટ ફી, લેબોરેટરી ફી, લાયબ્રેરી ફી, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ફી, કેમ્પસ ફી વિગેરે હેડ હેઠળ ફીના માગણા કરવામાં આવ્યાં હતાં.