બારડોલીના સરભોણના ચાંદદેવી ફળિયામાં મંગળવારે રાત્રે દારૂ બંધ કરાવવા માટે મોટું ટોળું એકત્ર થઈ મારામારી કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે દારૂ બંધ કરાવવા ગયેલાં ટોળાં સામે હુલ્લડનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સરભોણમાં છેલ્લા કેટલાક સમયથી દારૂબંધીની માંગ ઉગ્ર બની છે. પરંતુ કેટલાક બુટલેગરો દ્વારા અન્ય ગામોમાંથી દારૂ લાવીને વેચવામાં આવતો હોય લોકો ઉશ્કેરાયા હતા અને ટોળું ભેગું થઈ થયું હતું.
સરભોણના ચાંદદેવી ફળિયામાં રહેતા અજયભાઈ રમેશભાઈ રાઠોડે આપેલી ફરિયાદ અનુસાર મંગળવારે સાંજે અજય પોતાના મિત્ર વિશાલ રમેશ હળપતિ સાથે કામ અર્થે ગયો હતો. રાત્રે દશેક વાગ્યે ઘરે પરત ફરતો હતો. ત્યારે રાજેશ મંગુ ચૌધરીના ઘર પાસે ટોળું એકત્રિત થયું હતું અને રાજેશ ચૌધરી અને તેની પત્ની સાથે જૂની અદાવતમાં ગાળાગાળી કરી ઝઘડો કરતા હતા. ત્યાં જતાં જ અજયને પણ “તું અમારા ફળિયામાં રહે છે અને રાજુ ચૌધરી સાથે મળી ગયેલો છે” તેમ કહી ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા.
રૂપેશ અરવિંદ હળપતિના હાથમાં કુહાડી હતી અને પતાવી દેવા એમ કહી ટોળાંને ઉશ્કેરતાં ટોળું અજયને ઢીકમુક્કી અને લાતોથી માર મારવા લાગ્યું હતું. દરમિયાન અજયનો માસીનો છોકરો વિશાલ અને માતા સુનીતા હળપતિ છોડાવવા વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. દરમિયાન મંગુભાઈ બાબુભાઇ હળપતિ, જીતુભાઈ રમેશભાઈ ચૌધરી અને ફળિયાના અન્ય માણસોએ દોડી ત્રણેયને વધુ મારમાંથી બચાવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાંને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અજયની ફરિયાદને આધારે દારૂ બંધ કરાવવા ગયેલા 17 વિરુદ્ધ નામજોગ તથા અન્ય ટોળાં વિરુદ્ધ હુલ્લડનો ગુનો નોંધ્યો હતો.
સરભોણ જ નહીં આજુબાજુનાં ગામોમાં પણ દારૂના અડ્ડા સમયસર બંધ નહીં કરાવ્યા તો ગ્રામજનોની લડત ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે
સરભોણમાં છેલ્લા ઘણા સમયથી યુવાનો દારૂબંધી માટે સક્રિય થયા છે. પરંતુ બુટલેગરો તેમને ફાવવા દેતા નથી. અનેક વખત દારૂ બંધ કરાવવા છતાં બુટલેગરો ફરીથી દારૂ શરૂ કરી દારૂ બંધ કરાવનારાઑ સામે દાદાગીરી કરતાં હોય છે. ગત 14મી જૂનના રોજ પણ દારૂ બંધ કરવા માટે ગ્રામજનોએ પોલીસને બુટલેગરોના લિસ્ટ સાથે આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ દારૂના અડ્ડા તો બંધ થયા હતા. પરંતુ કેટલાક લોકો બાજુના ગામોમાંથી દારૂ લાવીને વેચતા હોવાની રાવ ઊઠતાં મંગળવારના રોજ યુવાનોનું ટોળું દારૂ બંધ કરાવવા માટે ગયું હતું. ત્યારે હુલ્લડ સર્જાતાં પોલીસે ટોળાં વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. સરભોણમાં ભલે દારૂ બંધ થયો હોય પણ અન્ય ગામોમાં પણ દારૂના અડ્ડા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. જો પોલીસ સમયસર કાર્યવાહી નહીં કરે તો આ લડત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. ત્યારે પોલીસે જ આજુબાજુનાં ગામોમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા આગળ આવવું જરૂરી બની ગયું છે.
સરભોણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
બારડોલી તાલુકાના સરભોણ ગામે સ્થિતિ વધુ વણસે નહીં એ માટે બુધવારે મોડી સાંજે જિલ્લાભરની પોલીસ સરભોણ ગામમાં ખડકી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ગામમાં ધામા નાખ્યા હતા. દારૂ બંધ કરાવવા ગયેલાં ટોળાં સામે હુલ્લડની ફરિયાદ બાદ ગામના લોકોએ સરભોણ આઉટ પોસ્ટ ખાતે બુટલેગરોને પાસા હેઠળ સજા કરવા માટેની માંગ કરી હતી. બુધવારે બપોરે પણ મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આથી સ્થિતિ વધુ વણસે નહીં એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પણ ગ્રામજનોએ બુટલેગરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરંતુ બારડોલી પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતાં ફરીથી ગ્રામજનો ઉશ્કેરાયા છે.