Charchapatra

‘પ્રભુકુંજ’ માં સરસ્વતીનો નિવાસ 

માયાવી મુંબઈ નગરીમાં આવેલી મહાન ગાયિકા લતા મંગેશકરનું ઘર એક મંદિર સમાન હતું. એ ‘પ્રભુકુંજ’ઘર હવે સાવ સૂનું પડી ગયું છે. એ પવિત્ર આત્મા પ્રભુપ્યારી બની ગઈ છે. લીલીછમ વસંત પંચમી કમનસીબે પાનખર ઋતુ બની ગઈ છે. ભારતવાસીઓ માટે એ સરસ્વતી માતા મીઠી મધુરી પ્યારી દીદી સમાન હતી. રોજ વહેલી સવારે આ પ્રભુકુંજ મંદિરમાં આખો મંગેશકર પરિવાર નિયમિત સંગીતની સાધના કરતો. સંગીતની સૂરાવલિથી દૂરદૂર સુધીનું અલૌકિક વાતાવરણ મહેંક મહેંક થઈ જતું. હવે અહીં ઘેરો શોક  છે. એક તીર્થ સમાન આ ઘરમાં લતાદીદીએ એમના હસતા મુખથી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તેઓ એમની પાછળ અધધ કહી શકાય એવા વિવિધ પ્રકારના સદા બહાર અણમોલ ગીતોનો ખજાનો છોડી ગયાં છે.

ગાયિકીની દુનિયાની આ એક માત્ર વિરલ હસ્તીનાં ગીતો થકી લોકો પોતાના દુ:ખ દર્દ ભૂલી જતા. સંગીતપ્રેમીઓએ એક વાર જમવાનું નહીં મળે તો ચાલે, પણ એમના સૂરીલા ગીતો સાંભળ્યા વિના નહીં ચાલે. હિન્દી ફિલ્મની જગતના દિગ્ગજો અહીં પધારતા અને અહીના પવિત્ર વાતાવરણમાં અદભૂત સુખશાંતિનો અનુભવ કરી પ્રસન્ન થઈ જતા. યુસુફભૈયા અને મદનભૈયાને આ ઘરમાં ભાઈને દરજ્જો પ્રાપ્ત થયો હતો. સચીન તેંડુલકરને આ સરસ્વતી માતાના લાડલા પુત્રનું ગૌરવ હાંસિલ થયું હતું. લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભાઈનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. પ્રભુકુંજનું આ પંખી પ્રભુની ગોદમાં સમાઈ ગયું છે. લતાદીદીને કોટિ કોટિ વંદન.
સુરત -જગદીશ પાનવાલા રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top