રા અલી ખાન પોતાને ટોપ ફાઇવ યા ટોપ ટેન પૈકીની એક સ્ટાર-એકટ્રેસ તરીકે ઓળખાવવાની જીદ વિના કામ કરી રહી છે. તે કદાચ સમજી ગઇ છે કે દીપિકા પાદુકોણે યા આલિયા ભટ્ટ કે કૃતિ સેનોન યા કિયારા અડવાણી સાથે ઊભા રહેવામાં કાંઇક ઓછું પડે છે. કદાચ તે તેની ખાસ ફ્રેન્ડ જહાન્વી કપૂરની જેમ જ કામ કરતી રહે છે. સ્પર્ધકનું ઝનૂન રાખનારી અભિનેત્રીઓ જૂદી પડી જતી હોય છે. તેવી અભિનેત્રીઓ બબાલ પણ ઊભી કરે. વિવાદો ય કરે અને લફડાબાજીથી પણ ચર્ચામાં રહે. સારા અલી ખાનમાં તેની મમ્મી કે પપ્પાનાં લક્ષણો નથી ઊતર્યાં. તમે જુઓ કે ગયા વર્ષે તે ‘ગેસલાઇટ’માં આવી. ‘જરા હટકે જરા બચકે’માં આવી. ‘ગેસ લાઇટ’માં મીશા તરીકે તે આખી ફિલ્મના કેન્દ્રમાં હતી અને ‘જરા હટકે જરા બચકે’માં વિકી કૌશલ સાથે મઝાની ભૂમિકામાં હતી. એ બંને ફિલ્મો સોશ્યલ હતી, ફેમિલી વેલ્યુ ધરાવતી હતી. હમણાં આ પ્રકારની ફિલ્મો ઓછી ચાલે છે, પણ સારા એવી ફિલ્મો સ્વીકારે છે. તે એવી ફિલ્મોમાં કામ કરી ખોવાઈ જવા નથી માંગતી, જેમાં હીરો બધાને પછાડવામાં હોય અને હીરોઇને તેની સાથે થોડાં દૃશ્યોમાં દેખાવાનું હોય. સારા એવી ફિલ્મોમાં કામ કરે છે, જે મોટા બેનરની ન હોય તો પણ ઇન્ટરેસ્ટિંગ બનવાની શકયતા ધરાવતી હોય. ‘મડગાંવ એકસપ્રેસ’ તો કોમેડી હોરર અને રહસ્યનું મિશ્રણ ધરાવે છે. અભિનેતાઓની નવી પેઢી સાથે વધારે કમ્ફર્ટ જણાય છે. એ કારણે જ તે નવી ટીમ બનાવી શકે છે. કરન જોહરની ‘એ વતન, મેરે વતન’માં તે એક એવી છોકરીની ભૂમિકામાં છે, જે વીરત્વપૂર્વક અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન ચલાવે છે. ઉષા મહેતા જેવા સ્વતંત્રતા સેનાનીની ભૂમિકા તે આ ફિલ્મમાં ભજવી રહી છે. આવી ભૂમિકા તેની એકટ્રેસ તરીકેની ઓળખને વધારે મેચ્યોર બનાવશે. આ ફિલ્મ પણ માર્ચમાં જ રજૂ થવાની ધારણા છે. એક મહિનામાં એક જ એકટર યા એકટ્રેસની બે ફિલ્મ રજૂ થાય તેવું આજકાલ ઓછું બને છે. સારા પાસે સારી ફિલ્મો આવતી રહે છે તે તો સ્વીકારવું જ રહ્યું કારણ કે અક્ષયકુમાર સાથેની ‘સ્કાય ફોર્સ’ પણ તેની પાસે છે અને ‘ભુલ ભુલૈયા-3’ પણ છે. જો કે એ ફિલ્મમાં તૃપ્તિ ડામરી, એલનાઝ નવરોઝ, વિદ્યા બાલન વગેરે છે તો સારા પાસે વધારે દૃશ્યો ન હશે. પણ તે અન્ય અભિનેત્રીઓની હાજરીવાળી ફિલ્મોથી દૂર ભાગતી નથી. ‘મેરો… ઇન ડીનો’માં ફાતિમા સના શે, કોંકણા સેન શર્મા વગેરે પણ છે. તે બીજી અભિનેત્રીઓની ઇર્ષા અનુભવતી નથી અને પ્રોફેશનલી પોતાનું કામ કરે છે. આમ પણ અનન્યા પાંડે, જહાન્વી કપૂર સાથે લાંબા સમયથી મૈત્રી ધરાવતી સારા બહુ સંઘર્ષમાં પડતી નથી. સારા કયારેય ઇન્ટરવ્યુમાં મોટા દાવા નથી કરતી અને ફિલ્મ જગતમાં તેણે એક સારી ઇમેજ ઊભી કરી છે. •
આદિત્ય ઘર જેવાએ ‘ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા’માં વિકી કૌશલ અને અલ્લુ અર્જુન સાથે સારાને લીધી છે. હા, આ બધી ફિલ્મો તેની પાસે છે પણ ‘મર્ડર મુબારક’ નેટફિલકસ અને ‘એ વતન મેરે વતન’ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રજૂ થવાની છે. ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો આવે અને થિયેટરમાં ફિલ્મો આવે તે વચ્ચે ફરક હોય છે. સારાના દિવસો ત્યારે વધુ સારા કહેવાય, જયારે થિયેટરોમાં તેની ફિલ્મો ધૂમ મચાવે.