સાપુતારા: (Saputara) ગિરિમથક સાપુતારામાં 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ ગત બે દિવસથી અનલોક થતાં ધીમે ધીમે પ્રવાસીઓનો (Tourists) પગરવ ધબકતો થયો છે. ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી ઘાતકની લહેર હળવી તો બની છે પરંતુ પ્રવાસીઓનાં આવાગમનનાં પગલે અનલોક ગિરિમથક સાપુતારામાં કોરોના સંક્રમણની દહેશત ઉઠી છે.
ડાંગની (Dang) પ્રકૃતિને માણવા દરેક ઋતુઓમાં રાજ્ય સહિત અન્ય રાજ્યનાં પ્રવાસીઓ ઉમટી પડે છે. જેમાં હવાખાવાનું સ્થળ સાપુતારા પણ પ્રવાસીઓથી ધબકતું જોવા મળી રહે છે. પરંતુ કોરોનાની બીજી ઘાતક લહેરમાં આ પ્રવાસન સ્થળે પ્રવાસીઓ આવવાનું ટાળી દેતા સ્થળો સુમસામ ભાસી ઉઠ્યા હતા. સાથે અહી લારી ગલ્લા એસોસીએશન દ્વારા 45 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરતા આ પ્રવાસન સ્થળે માત્ર કાગડા ઉડી રહ્યાનું જોવા મળ્યું હતું. તેવામાં ગત બે દિવસથી ધીમે ધીમે સાપુતારા સ્વૈચ્છિક લોકડાઉનમાંથી અનલોક બનતા હવે પ્રવાસીઓનો પગરવ ધબકતો જોવા મળી રહ્યો છે.
સાપુતારાની એડવેન્ચર એક્ટિવિટીઓમાં પેરાગ્લાયડીંગ, બોટિંગ, રોપવે સહિતની પ્રવૃતિઓને સંચાલકો દ્વારા ખુલ્લી મૂકી દેતાં આવનાર દિવસોમાં આ સ્થળોએ ભીડ જામશેની શક્યતા દેખાઈ રહી છે. સાપુતારા અનલોક થઈ ખુલ્લી જતા પ્રવાસીઓ ઉમટી પડશે અને કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ વર્તાશે જેમાં બેમત નથી. કોરોનાની બીજી ઘાતક લહેરમાં ડાંગમાં વિસ્ફોટક સ્થિતિએ કેસ અને મૃત્યુ દરમાં વધારો નોંધાયો હતો. બાદમાં જિલ્લામાં મે મહિનામાં સ્વૈચ્છિક લોકડાઉનનાં પગલે સંક્રમણનો દર ઘટતા સ્થાનિક લોકો સહિત વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
તેવામાં સાપુતારા ફરીથી ધબકતું થતા આવનાર દિવસોમાં પ્રવાસીઓની ભીડ કોરોનાનાં સંક્રમણમાં વધારો કરવાની સાથે ડાંગી જનજીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે જેમાં બેમત નથી. જેથી તંત્ર સ્થાનિકોનાં આરોગ્ય સહિત પ્રવાસીઓનાં હિતને ધ્યાનમાં રાખી સાપુતારા ખાતે કોવિડની ગાઈડલાઈન જાહેર કરી ઘટતી કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બની ગયુ છે.
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સંચાલકોને એક્ટિવિટી બંધ કરવાની સૂચના અપાઈ છે
આ બાબતે સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર ધવલ સંગાડાએ જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને સ્થાનિકો સુરક્ષિત રહે તે માટે સાપુતારામાં જે પણ સ્થળોએ વધારે ભીડ એકત્ર થાય છે તેવા એડવેન્ચર સંચાલકોને હાલમાં એડવેન્ચર એક્ટિવિટીઓ બંધ કરવાની સૂચના અપાઈ ગઇ છે.