સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં વાસુર્ણા ગામ નજીક આવેલ ખાપરી નદી (River) પરનાં ભુસદા ડેમમાં આહવાની ભાભી અને નણંદનું ડુબી જવાથી (Drowned) મોત નિપજયુ છે. માંડવા ગામ નજીક જીવંત વીજ તાર પડવાથી કરંટ લાગતાં એકનું મોત
- આહવાના વાસુર્ણા ગામે ખાપરી નદીના ભુસદા ડેમમાં ડુબી જતાં નણંદ-ભાભીનાં મોત
- 22 વર્ષીય ભાભી અને 14 વર્ષીય નણંદ કપડા ધોયા બાદ ન્હાવા પડ્યાં, તો ઊંડા પાણીમાં તણાઈ ગયા
- એક જ પરિવારમાં બેનાં મોતને પગલે આહવા ગામમાં શોકનો માહોલ
ડાંગ જિલ્લાનાં ડીઝાસ્ટર તંત્ર તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આહવા ગામનાં પટેલપાડામાં રહેતી સપનાબેન રણજીતભાઇ ચૌધરી, ઉ.વ.22. તથા સુહાનીબેન અરવિંદભાઇ ચૌધરી ઉ.વ.14 જે બન્ને ભાભી- નણંદ ભુસદાનાં ચેકડેમમાં કપડા ધોઇ નાહવા જતા ઊંડા પાણીમાં ડુબી ગઈ હતી. જેની જાણ આહવા નગર સહીત આસપાસનાં ગામોમાં થતાં લોકટોળુ ઘટના સ્થળે ધસી ગયું હતું.
બનાવની જાણ ડાંગની આહવા પોલીસની ટીમને થતા પોલીસનો કાફલો તથા ડિઝાસ્ટરની ટીમ પણ દોડી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ડૂબી ગયેલી આ બન્ને યુવતીની લાશને બહાર કાઢી હતી. હાલમાં ડીઝાસ્ટર વિભાગ અને પોલીસ વિભાગની ટીમે આ દુર્ધટનાનો ભોગ બનનાર કિશોરીઓનાં મૃતદેહને બહાર કાઢી આહવા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી વધુ તજવીજ હાથ ધરી હતી. આહવા નગરની એક જ પરિવારની ભાભી અને નણંદનું ડૂબી જવાથી મોત નીપજતાં નગરમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. આ કરૂણ દુર્ધટના અંગે જિલ્લા કલેક્ટર મહેશ પટેલે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
માંડવા ગામ નજીક જીવંત વીજ તાર પડવાથી કરંટ લાગતાં એકનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વરના માંડવા ગામ પાસે આવેલ હિલ્ટન હોટલની બાજુની ખુલ્લી જગ્યામાં વાવાઝોડાને પગલે જીવંત વીજ વાયર તૂટી પડતાં કામદારનું વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું.
મૂળ પાટણ અને હાલ અંકલેશ્વરના માંડવા ગામ પાસે આવેલી હિલ્ટન હોટલની બાજુની ખુલ્લી જગ્યામાં પડાવ પાડી રહેતા રાજેશ રમેશ ફૂલવાડી અને તેમના સગા ભાઈ ૨૧ વર્ષીય નરેશ રમેશ ફૂલવાડી છેલ્લા ત્રણ દિવસથી નેશનલ હાઈવે ઉપર ડિવાઈડરના કલર કામની મજૂરી માટે આવ્યા હતા. જેમનો ભાઈ ગતરોજ સાંજે કલરકામ કરી પોતાના પડાવ ઉપર આવ્યો હતો. એ દરમિયાન સુસવાટાભેર ફુંકાતા વાવાઝોડાને પગલે ત્યાંથી પસાર થતી જીવંત વીજ લાઈન ઉપરથી તાર નરેશ ફૂલવાડી ઉપર પડતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આથી તેના ભાઈએ તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં સારવાર મળે એ પહેલાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.