સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે (Police) દારૂના (Alcohol) જથ્થા સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમ ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહી હતી. તે વેળાએ ત્રણ મહિલાઓ વજનદાર થેલાઓ લઈને ચાલતી આવી રહી હતી. ત્યારે પોલીસે થેલાઓની તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે રીના હેમંત વસાવા, નીરૂ વિનય જાદવ અને રેશમા રમેશ ભોયે (ત્રણેય રહે. આહવા તા.આહવા જી.ડાંગ)એમ ત્રણેયની અટક કરી હતી. પોલીસે ૯ હજાર કરતા વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. અને મહિલાઓને દારૂનો જથ્થો વેચનાર નાસિકના બાલકૃષ્ણ વાઇન શોપના સંચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે. હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉદવાડાથી કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી દારૂ લઇ જતું સુરતનું દંપતી, મહિલા ઝડપાઈ, પતિ ફરાર
પારડી : પારડીના ઉદવાડા ગામે ડુંગર ફળિયામાંથી પસાર થતા રોડ ઉપર કારમાં ચોરખાના બનાવી ડુપ્લિકેટ નંબર લગાવી દારૂની હેરાફેરી કરતા સુરતના દંપતી પૈકી પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે પતિ ફરાર થઈ ગયો હતો.
પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ઉદવાડા ગામે ડુંગર ફળિયામાંથી પસાર થતા રોડ ઉપર એક કાર આવતા પોલીસે રોકી હતી. પોલીસને જોઈ કાર ચાલક દરવાજો ખોલી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા ક્લીનર સીટ પર મહિલા અશ્વિનીબેન સુભાષભાઈ વસાવા (રહે. સુરત ઓલપાડ)ને ઝડપી પાડી હતી.
કારમાં તપાસ કરતા ડેસ્કબોર્ડ અને બમ્ફરમાં બનાવેલા ચોરખાનામાં દારૂની બોટલ નંગ 245 જેની કિં.રૂ. 27,000નો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પૂછપરછ કરતા તેનો પતિ સુભાષ સુખા વસાવા (રહે. સુરત ઓલપાડ) દમણથી દારૂ ભરી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારનો નંબર જોતા જીજે 21 એમ 4091 લગાવેલો હતો. જેને ઈ-ગુજકોપ એપ પર ચકાસણી કરતા જીજે-05 જેસી 0894 જેનો માલિક રવિ કુમાર (રહે. સુરત ઉધના)નો હોવાની જાણ થઈ હતી. દારૂની હેરાફેરી માટે પોલીસને ગેરમાર્ગે દોરવા ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી હતી. પોલીસે દારૂનો જથ્થો, કાર સહિત કુલ રૂ. 1.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભાગી જનાર સુભાષ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે પ્રોહિબીશન અને ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવતા ગુનો નોંધી તપાસ પોલીસે હાથ ધરી છે.