રાજ્યનાં ગિરિમથક સાપુતારાના (Saputara) કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસીઓનો ઘોડાપુર ઉમટી પડ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનનાં અનુસરણ માટે જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ પોલીસે (Police) પેટ્રોલિંગ સહીત બંદોબસ્ત ગોઠવતા ટ્રાફીક (Traffic) સમસ્યા કાબુમાં રહી હતી. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય પુરબહારમાં ખીલી ઊઠ્યુ છે. જેમાં કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થતા અને સાપુતારા અનલોક થતાં અહી જૂન મહિનાથી પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી રહ્યુ છે.
ડાંગ જિલ્લામાં હાલમાં વરસાદી માહોલે પણ વિરામ લેતા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસન સ્થળ સાપુતારામાં પણ કુદરતી સૌંદર્યને માણવા શુક્ર, શનિ અને રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા. હાલમાં દરેક શનિ રવિમાં ગિરિમથક સાપુતારા ખાતે તમામ હોટલોમાં હાઉસફુલનાં પાટિયા ઝૂલી રહ્યા છે.
કોરોનાનો કપરો કાળને ભૂલી પ્રવાસીઓ ગિરિમથક સાપુતારા ખાતે બોટીંગ, રોપવે સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનો ભરપૂર આસ્વાદ માણી આ યાદગાર પળોને સંભારણુ તરીકે બનાવી રહ્યા છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત અન્ય પ્રવાસન સ્થળોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે વિકેન્ડમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ પ્રવાસીઓને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો.
ગિરિમથક સાપુતારાનાં દરેક જોવાલાયક સ્થળોએ એસ.પી.રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સહિત હોમગાર્ડ અને જી.આર.ડી જવાનોની ટીમ તૈનાત કરાતા અહી ટ્રાફિક સહીતની સમસ્યાઓ કાબુમાં આવી હતી અને પ્રવાસી વાહનોનો કાફલો પૂર્વરત થયો હતો.