સાપુતારા: ડાંગ જિલ્લા (DANG DISTRICT)ના વઘઇ તાલુકાનાં સુપદહાડ ગામે પાણીનો સદુપયોગ કરી લોકો આત્મનિર્ભર બન્યા હતા.ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ ઉનાળાની ઋતુમાં લોકોને પાણી માટે વલખા મારવાની નોબત ઉભી થાય છે. ત્યારે પાણીનો સદુપયોગ કરીને પાણી બચાવી પાણીના ઉપયોગ વિશે ડાંગનાં સુપદહાડ ગામનાં લોકો ઉત્તમ ઉદાહરણ (EXAMPLE) પુરૂ પાડી રહ્યા છે. સુપદહાડ ગામનાં ગ્રામજનોએ પાણી બચાવવાનો સરળ ઉપાય શોધી કાઢ્યો છે.
સરપંચ અને ગ્રામજનો દ્વારા દર વર્ષે ડેમ ઉપર બોરીબંધ બાંધીને પાણીનો સદુપયોગ કરવામાં આવે છે. જેના પગલે મહદ અંશે ઉનાળામાં સુપદહાડ ગામનાં લોકોને પાણીની તકલીફો વેઠવી નથી પડતી. વઘઇનુ સુપદહાડ ગામ જે અંબિકા નદીનાં કિનારે આવેલું છે. ચોમાસાની ઋતુ બાદ અંબિકા નદીનાં વહેણ ઘટતા જાય છે. અને ધીમેધીમે નદી સુકાવા લાગે છે. ત્યારે આ નદીનાં કિનારે આવેલા સૂપદહાડ ગામનાં લોકો વહેતા પાણીને અટકાવી તેનો સદુપયોગ કરી આત્મનિર્ભર બન્યા છે.
નદીનાં પાણીને અટકાવવા માટે લોકોએ નદી પર બોરીબંધ બાંધ્યો છે. આ પાણીનાં ઉપયોગ થકી ગ્રામજનો પીવાનાં પાણીનો ઉપયોગ, પશુપાલન, ખેતી ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે. આ ગામમાં અંબિકા નદી (AMBIKA RIVER) ઉપર ડેમ બાંધવામાં આવ્યો છે. પરંતુ ડેમની ઉંચાઈ ઓછી હોવાનાં કારણે પાણી વહી જતુ હોય છે. બોરીબંધ દ્વારા સંગ્રહિત પાણી ફિલ્ટર થઈ નજીકનાં કુવામાં જાય છે. અને કુવામાંથી પાઇપલાઇન મારફત દરેક લોકોના ઘરેઘર પાણી પહોંચાડવામાં આવે છે.
ઉનાળામાં પણ લોકોને ઘરે ઘરે નળ મારફત પાણી મળી રહે છે.
આ ગામની મહિલા પારીબેન ભોયે જણાવે છે કે બોરીબંધ બાંધવાથી પાણી લાંબા સમય સુધી ટકી રહે છે. જેથી ઉનાળામાં પણ દરેક લોકોના ઘરેઘર નળ મારફત પાણી (WATER) મળી રહે છે. વધુમાં પશુપાલન અને ખેતી ક્ષેત્રે સંકળાયેલા લોકો પાણીનો ઉપયોગ કરી શકે છે.
2 થી 3 હજાર બોરીઓ દ્વારા પાણીને અટકાવી શકાય છે.
ગામનાં યુવક જીગ્નેશ બાગુલ જણાવે છે કે સરપંચે દરેક ગ્રામજનોને બોરીબંધ બાંધવા માટે આદેશ આપ્યો છે. સૂપદહાડ ગામનાં દરેક ગ્રામજનો ભેગા મળીને 250 થી 300 બોરી(Sack)ઓમાં માટી (SAND) ભરી લાવે અને સૌ લોકોનાં સહકારથી લગભગ 2 થી 3 હજાર બોરીઓ દ્વારા પાણીને અટકાવી શકાય છે. પાણી સંગ્રહિત રહેવાથી લોકોને દૂર સુધી પાણી માટે ભટકવુ પડતુ નથી.
50 થી 60 હેક્ટરમાં લોકો ચોમાસા બાદ રવિ પાકની ખેતી કરે છે.
દગુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ભીવાભાઈ ગાવીત જણાવે છે કે સૂપદહાડ ગામમાં આશરે 900 લોકોની વસ્તી છે. અહીં પશુપાલન સાથે સંકળાયેલા લોકો રોજનાં 370 લીટર જેટલું દૂધ (MILK) ડેરીમાં ભરે છે. વધુમાં આ ગામમાં પાણી બારેમાસ મળી રહેવાનાં કારણે 50 થી 60 હેક્ટરમાં લોકો ચોમાસા બાદ રવિ પાકની ખેતી કરી રહ્યાં છે. આ ગામનાં ગ્રામજનો આત્મનિર્ભર બની શિયાળામાં ચણા, મકાઈ વગેરેની ખેતી કરી આવક મેળવે છે.