સાપુતારાનાં નવાગામમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી સાપુતારાની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નિપજતા ગમગીનીનાં માહોલ છવાયો હતો.
સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે રહેતી બન્ને દિકરીઓમાં શિવાનીબેન રાયપાભાઈ પુલેન તેમજ અંજલિબેન રાયપાભાઈ પુલેન બુધવારે સવારે માતા સાથે કપડા ધોવા માટે સાપુતારાનાં નવાગામ સ્થિત આવેલા તળાવનાં કિનારે ગઈ હતી, તળાવમાં કપડા ધોઈને બન્ને બહેનો ન્હાવા માટે પડી હતી, જયા ઊંડા પાણીમાં એક બહેન ડૂબતા બીજી બહેન તેને બચાવવા માટે જતા ઘટના સ્થળે બન્ને બહેનો ડૂબી જતા સ્થળ ઉપર માતાએ બચાવો બચાવોનાં નાદ સાથે બુમાબુમ કરી મૂકી જેને પગલે સાઈબજારનાં યુવાનોએ તુરંત જ નવાગામનાં તળાવ ખાતે દોડી જઇ બે કલાક સુધી તળાવમાં રેસ્ક્યુ કરતા બન્ને બહેનોની લાશને શોધી કાઢી હતી, બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સાપુતારા પી.એચ.સી ખાતે ખસેડાતા પી.એચ.સીનાં ડોકટરોએ બન્ને બહેનોને ચકાસી મૃત જાહેર કરતા ગમગીનીનાં માહોલ સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી, હાલમાં સાપુતારા પોલીસની ટીમે મૃતક બહેનોનાં લાશનો કબ્જો મેળવી પંચનામુ કરી પી.એમ માટેની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.