Dakshin Gujarat

ડાંગના આહવા તાલુકામાં ધોધમાર વરસાદ, પારડીમાં વરસાદ પડતાં હાઇવે સહિતના માર્ગો પાણી-પાણી

સાપુતારા: ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારનાં રોજ છૂટો છવાયા વરસાદની પધરામણી થઈ હતી. ડાંગ જિલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાં ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસ્યો હતો. જેમાં ગુરુવારે મોડી સાંજે ગલકુંડ ખાતે ધોધમાર વરસાદ વરસતા ખાપરી નદીમાં ઘોડાપૂર આવી ગયું હતું. જ્યારે આજરોજ આહવા તાલુકાના પૂર્વપટ્ટીનાં હારપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં ઠેક ઠેકાણે વરસાદની પધરામણી જોવા મળી રહી છે. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં, સુબીર તેમજ પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદે પોતાની માઝા મૂકી હતી. તેમજ ગતરોજ આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખાપરી નદીમાં ભારે પાણીની આવક થઈ હતી. ગલકુંડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. તેમજ ખાપરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ડૂબાઉ કોઝવે પર નદીના પૂરના પાણી ફરી વળવાને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુધીર અને સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ડાંગ જિલ્લામાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાતા ગીરીકંદરામાં ધુમ્મસની ચાદર પથરાઈ જતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયા હતા.

વરસાદને પગલે ડાંગ જિલ્લાના કુદરતી સૌંદર્યમાં વધારો થતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે વરસાદનાં પગલે જિલ્લાના નદીનાળા, ચેકડેમ, ધોધ જેવા સ્થળોએ જોખમી રીતે વાહન પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્રએ અગાઉથી જ પ્રવાસીઓ અને સ્થાનિક પ્રજા માટે સુરક્ષાના હેતુથી સેલ્ફી જેવા અશિસ્ત કાર્યો પર પ્રતિબંધ લગાવ્યો છે.

પારડીમાં વરસાદ પડતા હાઇવે સહિતના માર્ગો પર પાણી-પાણી
પારડી : પારડીમાં આજરોજ સવારે અચાનક વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડ્યો હતો. જેને લઇ હાઈવે સહિતના માર્ગો પર પાણી-પાણી થઇ ગયું હતું. 11 વાગ્યાના સુમારે ભારે વરસાદી ઝાપટું આવતા બાઈક ચાલકો ભીંજાયા હતા. તો અન્ય વાહનોની ગતિ ધીમી પડી હતી. પારડીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ બપોર બાદ ફરી સૂર્ય દેવતા નીકળ્યા હતા. સતત ચોથા દિવસે હવામાન વિભાગની આગાહીને પારડીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પારડીમાં વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી-પાણી કરી દીધું હતું.

નવસારી અને જલાલપોરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા
નવસારી : નવસારી અને જલાલપોરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડતા નવસારીમાં થોડી ઠંડક વર્તાઈ હતી. તે છતાં પણ મહત્તમ તાપમાન નહિવત ડિગ્રી વધ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગયું છે. જેથી બફારાથી રાહત મળી હતી.
નવસારી જિલ્લામાં ગત બે દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. પરંતુ જિલ્લામાં વરસાદી ઝાપટા દિવસ દરમિયાન નહીં પરંતુ મોડી રાતથી લઈ વહેલી સવાર દરમિયાન પડી રહ્યા છે. જેના કારણે નવસારીમાં રાત્રી દરમિયાન તો ઠંડક રહે છે. પરંતુ દિવસ દરમિયાન વરસાદની ગેરહાજરી હોવાથી ગરમી અને બફારો લોકોને અકળાવી રહ્યો છે.
ગત રાત્રે નવસારી જિલ્લાના નવસારીમાં 10 મી.મી. અને જલાલપોર તાલુકામાં 7 મી.મી. વરસાદ પડ્યો હતો. જેથી રાત્રી દરમિયાન ઠંડકનો અનુભવ થયો હતો. પરંતુ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન નહિવત ડિગ્રી વધ્યું હતું. અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો.
નવસારીમાં મહત્તમ તાપમાન 0.1 ડિગ્રી વધતા 34.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 24 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 65 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 6.9 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top