સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં (Highway) શામગહાન નજીક સ્વીફ્ટ કાર (Car) માર્ગની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં નાસિક તરફથી શિવારીમાળ ગામ તરફ જઈ રહેલ સ્વીફ્ટ કાર ન. એમ.એચ.41.વી.8109 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં શામગહાન ગામ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ગાડી માર્ગની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે સ્વીફ્ટ કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે સ્વિફ્ટ કારનાં ચેસીસનાં ભાગે નુકશાન થયુ હતુ.
ડાંગનાં ગાઢવીહિર ગામમાં ડામર સપાટીનાં રસ્તાનું ખાતમુહૂર્ત
સાપુતારા : ડાંગ જિલ્લાનાં અંતરીયાળ ગામડાઓમાં લોકોને સારા માર્ગોની સુવિધાઓ મળી રહે તે માટે ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ મકાન વિભાગ દ્વારા નવા માર્ગોનું ખાતમુહૂર્ત કરાયુ છે. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગાઢવીહિર ગામનો આંતરીક માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. જે બિસ્માર માર્ગની રજુઆતને ધ્યાને લઇ લોકોની માંગણીઓને ગ્રાહ્ય રાખી ગાઢવીહિર ગામનો 6.80 કી.મીનાં રસ્તાનું નવીનીકરણ માટેનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજય પટેલનાં હસ્તે કરવામાં આવ્યુ હતુ.
જે રસ્તાની નવીનીકરણ માટે 161.51 લાખ રૂ.ની રકમ ટેન્ડર પ્રક્રિયા થકી મજૂર પણ કરવામાં આવી છે. ઘણા વર્ષો બાદ ગાઢવીહીર ગામનો રસ્તો નવો બનશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળા ગાઈન, તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશ ચૌધરી, બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીત, જિલ્લા સદસ્ય સારૂબેન વળવી, કાર્યપાલક ઈજનેર આર.બી.ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર યતીન પટેલ, મદદનીશ ઈજનેર સાગર ગંવાદે સહીત પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.