સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં (Dang District) છેલ્લા બે ત્રણ દિવસથી ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. શુક્રવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, ચીંચલી, ગારખડી, લવચાલી, સુબિર, બરડીપાડા, મહાલ, વઘઇ, ભેંસકાતરી, ઝાવડા, સાકરપાતળ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વરસાદ પડ્યો હતો.
જેમાં ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનાં પગલે ખાપરી, અંબિકા, પૂર્ણા અને ગીરા નદીનાં અમુક ભાગોમાં ડહોળા નીરનો ભરાવો જોવા મળી રહ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વિઝિબલિટી ઘટી હતી. સાપુતારા સહિત ઘાટમાર્ગમાં વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત પડી હતી. વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા, ડોન સહિત અન્ય પ્રવાસન સ્થળોનું વાતાવરણ મહેકી ઉઠતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 38 મીમી અર્થાત 1.52 ઈંચ, સુબિર પંથકમાં 44 મીમી અર્થાત 1.76 ઈંચ, સાપુતારા પંથકમાં 45 મીમી અર્થાત 1.8 ઈંચ જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 64 મીમી અર્થાત 2.56 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
- વઘઇ 2.56 ઈંચ
- સાપુતારા 1.8 ઈંચ
- સુબિર 1.76 ઈંચ
- આહવા 1.52 ઈંચ
વઘઇના કુડકસ ગામમાં મજૂરો પર ઝાડ પડતા મહિલાનું મોત
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કુડકસ ગામે ભરતભાઈ મહાદુભાઈ રાઉતનાં ખેતરમાં મજૂરો ડાંગરની રોપણી કરી રહ્યા હતા. તે વેળાએ રોપણી કરી રહેલા મજૂરો પર ખેતરમાં આવેલું સાગનું ઝાડ ધરાશાયી થઈ પડી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહી મજૂર સુંદરબેન અશોકભાઈનું ગંભીર ઈજાઓનાં પગલે મોત નીપજ્યુ હતુ. જ્યારે નાની મોટી ઈજા પામેલા મજૂરોને તાત્કાલિક સારવારનાં અર્થે વઘઇ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે એક મજૂર અશોકભાઈની હાલત નાજુક જણાતા તેને વધુ સારવારનાં અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો.