Dakshin Gujarat

ડાંગમાં વરસાદની રેલમછેલ, મજા માણવા પ્રવાસીઓ સાપુતારા પહોંચ્યા, વાહનોની લાંબી કતારો લાગી

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં રવિવારે દિવસ દરમ્યાન સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, ચીંચલી, સુબિર, સિંગાણા, બરડીપાડા, મહાલ, ભેંસકાતરી, વઘઇ, સાકરપાતળ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ (Rain) તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે નાનકડા ક્યારા અને કોતરડાઓ ઉભરાયા હતા. ડાંગ જિલ્લામાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે ધોધમાર વરસાદ પડતા ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા દ્રશ્યો મનમોહક બન્યા હતા.

  • ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા પાણીની રેલમછેલ ફરી વળી
  • વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ તુટી પડતા ઠેરઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા
  • સાપુતારાથી શામગહાનને જોડતા 9 કિમીનાં ઘાટમાર્ગમાં પ્રવાસી વાહનોની લાંબી કતારો જામી

રવિવારે વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓની ચિક્કાર ભીડ ઉમટી પડી હતી. રવિવારે જોવાલાયક સ્થળોમાં બોટીંગ, રોપવે, ટેબલ પોઈન્ટ, એડવેન્ચર પાર્ક, સ્ટેપ ગાર્ડન, વન કવચ સહિત સ્વાગત સર્કલ ખાતે વાહનોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાતા ટ્રાફિકની સ્થિતિ વણસી હતી. તેમજ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં 9 કિલોમીટર ઘાટમાર્ગમાં પણ સમયાંતરે ભારે વાહનો ખોટકાઈને ઉભા રહી જતા ટ્રાફિક જામની સ્થિતિ વણસવાની સાથે વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી.

સાપુતારા ઘાટમાર્ગ સહિત સાપુતારા સ્વાગત સર્કલ તેમજ ટેબલ પોઈન્ટ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પ્રવાસીઓએ કલાકો સુધી ગાડીમાં બેસી સમય બગાડ્યો હતો. રવિવારે સાપુતારા ખાતે પી.એસ.આઈ. એન.ઝેડ ભોયાની ટીમે ટ્રાફિક હળવો કરવા કવાયત હાથ ધરી હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 34 મીમી અર્થાત 1.36 ઈંચ, સુબિર પંથકમાં 40 મીમી અર્થાત 1.6 ઈંચ, આહવા પંથકમાં 41 મીમી અર્થાત 1.64 ઈંચ, જ્યારે સૌથી વધુ 44 મીમી અર્થાત 1.76 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

  • ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • વઘઇ 1.76 ઈંચ
  • આહવા 1.64 ઈંચ
  • સાપુતારા 1.36 ઈંચ
  • સુબિર 1.6 ઈંચ

Most Popular

To Top