સાપુતારા : ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ વરસી રહ્યો છે. જેન પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી ધસમસતી બની છે. સાથે જંગલ વિસ્તારમાં આવેલા નાના મોટા જળધોધ પણ પાણીથી ઓવરફ્લો થયેલા જોવા મળી રહ્યા છે. ગુરુવારે રાત્રીનાં અરસામાં ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સાપુતારા પંથકમાં મધ્યમ વરસાદ પડ્યો હતો. જ્યારે સુબિર પંથકમાં ધબધબાટી બોલાવતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં શ્રીકારનાં કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા દસ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા હતા. જેમાં ક્યાંક વૃક્ષ ધરાશાયી થતા તો ક્યાંક રોડ/કોઝ વે ઓવર ટોપિંગ થતા માર્ગો અવરોધાયા હતા. જેથી તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી હતી.
આ ઉપરાંત હિંદળા-ચિમેર રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થવાના કારણે, તથા ખોખરી-કાલીબેલ રોડ પર માટી અને પત્થરોનો મલબો માર્ગ પર ધસી આવવાને કારણે, તો નિશાના બ્રિજ પાસે ધોવાણ થતા આ માર્ગો યાતાયાત માટે અવરોધાવા પામ્યા હતા. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર બી.બી.ચૌધરી સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્ય મથક નહીં છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 48 મિમી અર્થાત 1.92 ઈંચ,આહવા પંથકમાં 77 મિમી અર્થાત 3.08 ઈંચ,વઘઇ પંથકમાં 80 મિમી અર્થાત 3.2 ઈંચ,જયારે સોથી વધુ સુબિર પંથકમાં 188 મિમી અર્થાત 7.52 ઈંચ વરસાદ નોંધાયો હતો.
એસ.ટી.બસોને સલામત સ્થળે રોકી દેવામાં આવી
દરમિયાન આહવા-વ્યારા રાજ્ય ધોરી માર્ગ ઉપર તાપી જિલ્લાના હદ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને કારણે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે, રોડ બંધ કરવામાં આવ્યો હતો. સરૈયા ગામ નજીક વરસાદી પાણી રોડ ઉપર ભરાવાથી સવારની આહવા-વ્યારા-આહવા બન્ને તરફની એસ.ટી.બસોને સલામત સ્થળે રોકી દેવામાં આવી હતી. બસના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે, વહીવટી તંત્ર દ્વારા વૈક્લપિક વ્યવસ્થાના ભાગરૂપે, અન્ય બસમાં ખસેડવામા આવ્યાં હતા.
ડાંગ જિલ્લાના આ દસ માર્ગો અવરોધાયા
સુબિર તાલુકાના (1) હિંદળાથી ધુડા રોડ, અને (2) કાકડવિહીરથી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (1) ચિકટીયા-ગાઠવી રોડ, અને (2) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, તથા વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, અને (6) આહેરડી-બોરદહાડ રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા હતા. જેના પગલે 20 ગામ જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્કવિહોણા બન્યા હતા. જેમાં 10 કોઝવે અવરોધાતા 20 ગામોનું જનજીવન, પશુપાલન પ્રભાવિત થયુ હતુ.
- ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
- સુબિર 7.52 ઈંચ
- વઘઇ 3.2 ઈંચ
- આહવા 3.08 ઈંચ
- સાપુતારા 1.92 ઈંચ