સાપુતારા: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં શુક્રવારથી ફરી ચોમાસુ સક્રિય થયુ છે. છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી, ભારે વરસાદથી લોકમાતાઓમાં અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણામાં પાણીની આવક વધી જવા પામી છે. સાથે ઝરણા, વહેળા, કોતરડા, અને ચેકડેમો ડહોળા નિરથી છલકાઈ જવા પામ્યા હતા. સાથે નાના મોટા જળધોધ પાણીની આવક સાથે ખીલી ઉઠતા દ્રશ્યો નયનરમ્ય બન્યા હતા.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતો પણ ડાંગરની રોપણીમાં જોતરાઈ ગયા હતા. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. શનિવારે રજાઓમાં ગિરિમથક સાપુતારા, વઘઇ બોટનિકલ ગાર્ડન, ગીરાધોધ, કિલાદ કેમ્પ સાઈટ, પાંડવગુફા, શબરીધામ, મહાલ કેમ્પ સાઈટ, યુટર્ન નેકલેસ, ગીરમાળનો ગીરા ધોધ સહિત ડોન હિલ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. શનિવારે ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ. સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે દિવસભર ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોના દ્રશ્યો મિનિકાશ્મીરની જેમ પ્રતિત થઈ ઉઠ્યા હતા.
સાપુતારા સહિત ઘાટમાં ધુમ્મસ છવાતા પ્રવાસી વાહનચાલકોને વાહનોની સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી. સાપુતારા ઘાટમાર્ગમાં તેમજ ટેબલપોઈંટ ખાતે વાહનોની લાંબી કતારો જામતા સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ વણસતા પી.એસ.આઈ. એન.ઝેડ.ભોયાની ટીમે કમર કસતા ટ્રાફિક હળવો કરવા સફળતા મેળવી હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 32 મીમી અર્થાત 1.28 ઈંચ, સાપુતારા પંથકમાં 49 મીમી અર્થાત 1.96 ઈંચ, આહવા પંથકમાં 61 મીમી અર્થાત 2.44 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 84 મીમી અર્થાત 3.36 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
- વઘઇ 3.36 ઈંચ
- આહવા 2.44 ઈંચ
- સાપુતારા 1.96 ઈંચ
- સુબિર 1.28 ઈંચ