સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) ગાંધી ઉધાનમાં ગાંધી જન્મ જ્યંતી નિમિત્તે દેખાડા પૂરતા સ્વચ્છતાનાં (Cleanliness) ગુણગાન કરવામાં આવ્યાનો કોગ્રેસે આક્ષેપ કર્યો હતો. કચરો સાફ કરવાનાં બદલે પ્રસાસન તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચરો ત્યાં જ નાંખીને જતા રહ્યા હતા.
- સ્વચ્છતાના નામે દેખાડો કરી ફોટો સેશન, પ્રતિનિધિઓએ કચરો ત્યાં જ નાંખી દીધો
- ડાંગ જિલ્લાનાં ગાંધી ઉધાનમાં દેખાડા પૂરતા સ્વચ્છતાનાં ગુણગાન ગવાયાના કોંગ્રેસના આક્ષેપ
પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ 2જી ઓક્ટોબરનાં રોજ ડાંગ જિલ્લા પ્રસાસન તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક સરઘસ (રેલી)નું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ગાંધીબાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. અને પ્રતિનિધિઓ દ્વારા મહાત્મા ગાંધીજીનાં સ્વચ્છતાના સ્વપ્નને પૂર્ણ કરવા અંગેની અનેક વાતો કરવામાં આવી હતી. પરંતુ સભા પૂર્ણ થયાં બાદ સ્વચ્છતાના નામે દેખાડો કરી ફોટો સેશન કરવામાં આવ્યાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કારણકે, કચરો સાફ કરવાનાં બદલે પ્રશાસનિક અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચરો ત્યાં જ નાંખીને જતા રહ્યા હતા.
ત્યારબાદ ડાંગ કોંગ્રેસ સમિતિ ગાંધીબાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર ચઢાવવા પહોંચી હતી. ત્યારે પ્રશાસન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે કચરો ત્યાં જ નાંખી દેવામાં આવ્યો હતો, તે કચરો ડાંગ કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ ઉંચકીને કચરાપેટીમાં નાંખ્યો હતો. અને ત્યારબાદ ગાંધીજીની પ્રતિમાને ફૂલ હાર ચઢાવ્યા હતા. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં આગેવાન મનીષભાઈ મારકનાએ પ્રશાસન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ઉમરગામના એકલારા ગામની સીમમાં સોલિડ વેસ્ટ ઠલવાતા ગ્રામજનોમાં રોષ
ઉમરગામ : ઉમરગામના એકલારા ગામની સીમમાં ઓદ્યોગિક ઘન કચરો કોઈ ઠાલવી જતા ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે યુવા શક્તિ સંગઠને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.
ઉમરગામ ભિલાડ યુવા શક્તિ સંગઠનના પ્રમુખ મિતેશ પટેલે રિજનલ ડાયરેક્ટર કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વડોદરા, તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર, કલેક્ટર વલસાડ તથા પ્રાદેશિક અધિકારી જીપીસીબી સરીગામને ફરિયાદ કરી છે કે ઉમરગામ તાલુકાના એકલારા ગામની સીમમાં અંદરનો રસ્તો જે દમણ ગંગા નદી કિનારેથી નેશનલ હાઇવે ખાતે નીકળે છે તે રસ્તા ઉપર રાત્રે કોઈક પ્રદૂષણ માફિયા દ્વારા ઔઘોગિક ઘન કચરો નંખાયો છે.
તાલુકામાં ઉમરગામ સરીગામ જીઆઇડીસી તથા નજીકમાં જ વાપી જીઆઇડીસી આવેલી છે. અનેક કેમિકલ ઉદ્યોગો અહીં કાર્યરત છે ત્યારે આવી ઘટના વારંવાર બનતી હોય છે જે તમામ બાબતો સૂચવે છે કે અહીં કાર્યરત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નિષ્ફળ દેખાઈ રહ્યું હોય અથવા પ્રદૂષણ માફિયાઓ બેખોફ હોય તેવું પ્રતિત થાય છે. ઉમરગામ તાલુકો બહુધા આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. આદિવાસી સમાજ પ્રકૃતિને દેવ તરીકે પૂજે છે. માનવજીવન અને પર્યાવરણ માટ હાનિકારક ઓદ્યોગિક ધન કચરો ઠાલવી જનાર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોક લાગણી જોવા મળી રહી છે. તાકીદે આ બાબતે તપાસ કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે.