સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) દક્ષિણ વન વિભાગનાં વઘઈ રેંજની ટીમે ખીરમાણી મહારાષ્ટ્રનાં બોર્ડર પરથી ખેરનાં લાકડાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગનાં વઘઈ રેંજમાંથી ખેરનાં લાકડાનો જથ્થો ઝડપાયો
- તસ્કરોને વન વિભાગની વોચની ગંધ આવી જતા અંધારાનો લાભ લઇ નાસી છુટ્યા
ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ. રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજનાં વનકર્મીઓની ટીમે સરહદીય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન મહારાષ્ટ્રની ઉમરથાણા રેંજનાં કર્મીઓને તથા દક્ષિણ ડાંગ વન વિભાગનાં વઘઇ રેંજનાં કર્મીઓને સરહદીય વિસ્તારમાંથી ખેરનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વઘઇ રેંજ તથા મહારાષ્ટ્રનાં ઉમરથાણા રેંજનાં સંયુક્તક્રમે વોચ ગોઠવી હતી. પરંતુ તસ્કરોને વોચ ગોઠવવામાં આવેલી હોવાની ગંધ આવી જતા અંધારામાં જ ખીરમાણી મહારાષ્ટ્ર બોર્ડર પર ખેરનાં 14 નંગ ખાલી કરી નાસી છૂટ્યા હતા.
જે અંગેની જાણ વઘઇ રેંજની વનકર્મીઓની ટીમને થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને ખેર નંગ-14 (ઘ.મી.0.808) નો મુદ્દામાલ ખીરમાણી મહારાષ્ટ્ર બોર્ડર ખાતેથી જપ્ત કરવામાં આવ્યો હતો. હાલમાં વઘઈ રેંજનાં ઇન્ચાર્જ આર.એફ.ઓ. સુનિલસિંહ વાઘેલા તથા રંભાસ રાઉન્ડ ફોરેસ્ટર કિરણ પટેલ દ્વારા ખેરનાં જથ્થાનો કબ્જો લઈ આ ખેરનાં લાકડા ક્યાંથી લવાયા તથા કોણ લઈ આવ્યુ તે અંગેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.