સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ગલકુંડ ગામ નજીકનાં વળાંકમાં ખાલી લક્ઝરી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અક્સ્માતમાં ડ્રાઈવર અને ક્લીનર સહિત કુલ ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી.
- ડાંગ જિલ્લાનાં શામગહાનથી આહવાના ધોરીમાર્ગ પર લક્ઝરી બસ પલટી ગઇ
- નાસિક્ના દર્શનાર્થીઓને બિલમાળનાં શિવમંદિરે ઉતારી પરત ગલકુંડ આવી નાઈટ સ્ટે કર્યો હતો
- ખાલી લક્ઝરી બસ ગલકુંડથી પરત બિલમાળ જવા નીકળી ત્યારે ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત, ત્રણને ઈજા
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી 40 જેટલા દર્શનાર્થી મુસાફરો લક્ઝરી બસ ન. એમ.એચ.15.ઈ.એફ.0997માં સવાર થઈ ડાંગ જિલ્લાનાં પ્રસિદ્ધ બિલમાળનાં શિવ મંદિરે ગયા હતા. લક્ઝરી બસ ચાલકે દર્શનાર્થીઓને બિલમાળનાં શિવમંદિરે ઉતારી પરત ગલકુંડ આવી નાઈટ સ્ટે કર્યો હતો. આજરોજ વહેલી સવારે ખાલી લક્ઝરી બસ ગલકુંડ થઈ પરત બિલમાળ જવા નીકળી હતી તે દરમ્યાન શામગહાનથી આહવાને જોડતા ગલકુંડ ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા લક્ઝરી બસ ખાડામાં ખાબકી પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં ડ્રાઈવર અને ક્લીનર સહિત કુલ ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. જેઓને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં લક્ઝરી બસને જંગી નુકસાન થયુ હતુ.