સાપુતારા: (Saputara) ડાંગના આહવા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તા.2જી માર્ચે ડાંગ દરબારને (Dang Darbar) ખુલ્લો મુકાશે. ડાંગ દરબારમાં રાજવીઓનું અદકેરું સન્માન કરાશે. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે ડાંગ દરબારનો ભવ્ય પ્રારંભ (Grand Opening) કરવામાં આવશે. તે પૂર્વે સવારે આહવાના મુખ્ય માર્ગો ઉપર રાજવીઓની ભવ્ય શોભાયાત્રા યોજાશે.
- આહવા ખાતે 2જી માર્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડાંગ દરબાર ખુલ્લો મુકાશે
- તા.2 થી 6 માર્ચ દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવન ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે
ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર પ્રતિ વર્ષ યોજાતા ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનું આ વર્ષે પણ હોળીના તહેવાર અગાઉ એટલે કે તા.2 થી 6 માર્ચ 2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ડાંગ દરબારની પરંપરા મુજબ રાજવીઓની ભવ્ય શોભાયાત્રા બાદ રંગ ઉપવન ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રાજયપાલના હસ્તે ડાંગના પાંચ રાજવીઓ તથા તેમના ભાઈબંધોનું અદકેરું સન્માન કરવા સાથે, તેમને પાનબીડા અર્પણ કરી ટોકન રૂપે પોલિટિકલ પેંશન એનાયત કરશે. આ રીતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે ડાંગ દરબારનો ભવ્ય પ્રારંભ કરવામાં આવશે. તે પૂર્વે સવારે આહવાના મુખ્ય માર્ગો ઉપર રાજવીઓની ભવ્ય શોભાયાત્રા યોજાશે.
જેમાં શણગારેલી બગીઓમાં સવાર રાજવીઓ પ્રજાજનોનું અભિવાદન ઝીલશે. જિલ્લા સેવા સદન ખાતેથી નિકળનારી આ શાહી બસવારી આહવાના મુખ્ય માર્ગ ઉપર ફરીને રંગ ઉપવન ખાતે પહોંચશે. જ્યાં રાજ્યપાલ દ્વારા રાજવીઓના સન્માન સાથે ડાંગ દરબારનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થશે. ત્યાર બાદ ડાંગ દરબારનો મેળો મહાલવા આવતા પ્રજાજનો માટે તા.2 થી 6 માર્ચ દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવન ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
પારડીમાં પરંપરાગત હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરતા કપરાડાના આદિવાસીઓ
પારડી : હોળી-ધૂળેટી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો પરંપરાગત સપ્તશૃંગી માતાજીના દર્શન અર્થે શરણાઈ, ઢોલ, તારપાં સાથે નૃત્ય કરી સ્વૈચ્છીક ફગવો માંગવા નીકળતા હોય છે. કપરાડાના અરણાઈ ગામેથી આવેલા આદિવાસી વડીલોએ જણાવ્યું હતું, કે અમે હોળીના પર્વ તેમજ મંદિરે જઈ નૃત્ય કરી ફગવો માંગીને ઉજવણી કરતા હોય છે. લોકોમાં હોળી પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે, પારડીના પલસાણા ગામે યોજાયેલા ગંગાજી મેળામાં અને આજે સુખેશ સહિત વિવિધ ગામે નૃત્ય કરી આકર્ષણ જમાવતા હોય છે. સપ્તશૃંગી માતા પર શ્રદ્ધા સાથે ઘરે ઘરે લોકો પોતાની યથાશક્તિ મુજબ ફગવો આપી ધન્યતા અનુભવે છે. આમ દર વર્ષે તેઓ પરંપરાગત આદિવાસી નૃત્ય અને સપ્તશૃંગી માતાજીના આશીર્વાદથી હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે ફગવો માંગતા આવ્યા હોવાનું જણાવ્યું હતું.