સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પણ શુક્રવારે બિપોરજોયની વાવાઝોડું (Cyclone) અસરનાં પગલે સુસવાટા મારતો પવન (Wind) ફરી વળ્યો હતો. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ગામડાઓ સહિત સાપુતારાની તળેટીય વિસ્તારમાં બિપોરજોયની અસર વ્યાપક જોવા મળી હતી. વઘઇ તાલુકાનાં ગામડાઓમાં શુક્રવારે સવારથી જ જોરદાર પવનનાં સુસવાટા સાથે વાવાઝોડુ ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી.
તો અમુક સ્થળોએ વૃક્ષો જ ધરાશયી થઈ પડી જતાં મોટુ નુકશાન થયું હતું. સાપુતારા સહિત વઘઇ તાલુકાનાં ગામડાઓમાં પવનનાં સુસવાટા સાથે ઝરમરીયો વરસાદ પડ્યો હતો. જ્યારે આહવા અને સુબિર પંથકોમાં પણ બિપોરજોય વાવાઝોડાનાં પગલે ભારે પવન ફૂંકાયો હતો. સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલા મીની વાવાઝોડાનાં પગલે ખેડૂતોની નવી આંબાની કલમો સહિત ફળફળાદી છોડને જંગી નુકસાન થયું હતું. ડાંગ જિલ્લામાં બિપોરજોયની અસરનાં પગલે માત્ર વૃક્ષોને નુકસાન થયું હતું. જ્યારે ગામડાઓમાં મોડી સાંજ સુધીમાં ઘરોનાં છાપરા સહિત વીજપોલ સહી સલામત રહેતા ડાંગી જનજીવને થોડોક હાશકારો મેળવ્યો હતો.
ગણદેવી તાલુકામાં બિપોરજોયનો ઘસરકો : વીજપોલ, વૃક્ષો, પતરા, છાપરા ઉડાડતું ગયું
બીલીમોરા : ગણદેવી તાલુકામાં બિપોરજોય વાવાઝોડાનો શુક્રવારે તોફાની પવન ફૂંકાતા વીજ પોલ, વૃક્ષો, પતરા ઉડ્યા હતાં. બીલીમોરા ગૌહરબાગના ગૌરવપથ ઉપર સદી જૂનો લીમડો પડ્યો હતો. લીમડા નીચે શાકભાજી વેચતી મહિલાનો આબાદ બચાવ થયો હતો. દિવસ દરમિયાન ૭મીમી વરસાદ પડ્યો હતો. દૂર દરિયામાં ઉઠેલું બિપોરજોય દરીયાઇ કાંઠા સાથે ટકરાયુ હતું. જે સાથે ફૂંકાતા પવનને કારણે બીલીમોરા ગૌરવપથ ઉપર હરી બાગ સામે વર્ષો જૂનો લીમડો ધરાશાયી થયો હતો. સરીખુરદ ગામના હળપતિવાસ અને કિકલી ફળીયા, કલવાચ ગામ, અંભેટા, વડસાંગળ પ્રાથમિક શાળા હોલ અને આંતલીયા સ્મશાન ભૂમિના પતરા ઉડ્યા હતા. જ્યારે સાલેજ પંચાયત પાસે હોર્ડિંગ્સ, ધમડાછા-કછોલી માર્ગ અને માણેક પોર મંદિર પાસે વૃક્ષ ધરાશાયી થયા હતા. જ્યારે મેંધર ગામના પારસી ફળીયામાં વીજ પોલ તૂટી પડ્યો હતો. તાલુકામાં કુલ ૭મીમી વરસાદી ઝાપટા વરસ્યા હતા.
વાંસદાના ભીનારમાં ઘર ઉપર લીમડાનું વિશાળ વૃક્ષ તુટી પડ્યું
વાંસદા : વાંસદા તાલુકાના ભીનાર ગામે ખડકાળા ફળિયા ખાતે રહેતા અમરતભાઈ લાડના ઘર ઉપર ભારે પવનના કારણે લીમડાનું વિશાળ વૃક્ષ તુટી પડ્યું હતું. આ વિશાળ વૃક્ષ ઘર ઉપર પડવાથી સિંટેક્ષ પાણીની ટાંકી અને પાંચ જેટલા સિમેન્ટના પતરા તુટી જતાં મકાન માલિકે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. મકાન માલિક પાસેથી જાણવા મુજબ ઘરના સભ્યો ઘરની અંદર પોતાના કામકાજ કરી રહ્યા હતા, તે દરમ્યાન અચાનક કંઇક અવાજ આવતા તેઓ તમામ ઘરની બહાર દોડી ગયા બાદ વૃક્ષ ઘર ઉપર પડ્યું હતું. જો કે કોઈને ઈજા થવા પામી ન હતી. સાંજે ૪:૨૦ દરમ્યાન અચાનક પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટું તુટી પડ્યું હતું. દિવસ દરમ્યાન તેજ પવન ફૂંકાતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.