સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) આહવાનાં બોરખેત ગામનાં જાહેર રોડ પર પોલીસ કર્મચારીએ એસ.ટી. બસને રોકી ડ્રાઇવરને (Bus Driver) માર માર્યો હતો, તેમજ એસ.ટી.બસની મહિલા કંડકટર સાથે અસભ્ય વર્તન કર્યું હતું. જેથી પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
- ઓવરટેક કરવાની લ્હાયમાં કાર સવાર પોલીસ કર્મચારીએ ST બસનાં ડ્રાઇવરને માર માર્યો
- આહવાના પોલીસ કોન્સ્ટેબલે બસની આગળ કાર ઉભી રાખી બસ ડ્રાઇવર પર હુમલો કરી મહિલા કંડકટર સાથે અસભ્ય વર્તન કર્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ બાલુભાઈ પોતાની કાર નં. GJ-14-AP-0835 ને બોરખેત ગામના રોડ પર હંકારી લાવ્યા હતા અને સરકારી એસ.ટી.બસ નં. GJ-18-Z-2686ને ઓવરટેક કરી બસની આગળ આવી અચાનક બ્રેક મારી એસ.ટી. બસને ગેરકાયદેસર અટકાવી હતી. ત્યાર બાદ રોડની વચ્ચોવચ પોતાની ગાડી ઉભી રાખી દીધી હતી. આ પોલીસ કર્મચારીએ બસના ડ્રાઇવરની ફરજમાં રૂકાવટ કરી હતી. બાદમાં એસટી બસ ડ્રાઇવર પર અચાનક હુમલો કરી માર માર્યો હતો અને મહિલા કંડકટરને અપશબ્દ બોલીને ધક્કો મારી હુમલો કરવાની કોશિશ કરી છેડતી કરવાના ઇરાદાથી અસભ્ય વર્તન કર્યું હતુ. આ સમગ્ર મામલાને લઈને ફરિયાદી મહિલા કંડકટર કોમલ પટેલે આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.કે.ચૌધરીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શામગહાન ખાતે વરલી મટકાનો જુગાર રમતા 3 ઝડપાયા
સાપુતારા: ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ખાતે વરલી મટકાનો જુગાર રમતા 3 ઝડપાયા હતા જ્યારે 6 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ કર્મીઓની ટીમને આહવા તાલુકાનાં શામગહાન ગામે વરલી મટકા જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે આહવા તાલુકાનાં શામગહાન ગામની સીમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી. અહીં વરલી મટકાનો આંક લખનાર (1) રતિલાલ મનહર જાદવ (રહે.નડગચોંડ તા.વઘઈ જી.ડાંગ) તથા વરલી મટકાનો આંક લખાવનાર (1) અનિલ બુધ્યા રાઉત અને (2) ભરત દૌલત પવાર (બંને રહે. શામગહાન તા.આહવા જી.ડાંગ) એમ મળી ત્રણને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસને જોઈને કેટલાક ઈસમો નાસી છૂટ્યા હતા. સાપુતારા પોલીસે સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા 14,240/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.