સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં આઈસર ટેમ્પાએ (Tempo) મોટરસાઈકલ (Motorcycle) સવારોને અડફેટમાં લેતાં 10 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે ટેમ્પો ચાલક અને સહિત મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઘવાતા સારવાર હેઠળ ખસેડાયા છે.
- ટેમ્પોએ બાઈકને અડફેટમાં લેતાં 10 વર્ષીય બાળકીનું મોત
- ડાંગનાં સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માતમાં ટેમ્પો અને બાઈક ચાલકને ગંભીર ઈજા
મહારાષ્ટ્રનાં નાસિક તરફથી સિમેન્ટનાં પતરાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો નં.જી.જે.04. એ. ડબલ્યુ. 0240એ સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં ઉપરનાં વળાંકમાં સામેથી ગલકુંડ પાયરપાડાથી માલેગામ થઈ સાપુતારા જઈ રહેલી મોટરસાયકલ નં.જી. જે. 30. સી. 0939ને અડફેટમાં લીધી હતી. અકસ્માત બાદ ટેમ્પો પણ પલ્ટી ગયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ પર મામા જોડે સવાર બાળકી યોગીતાબેન માર્કસભાઈ બાગુલ (ઉ.10 રહે. ચીચપાડા (ગલકુંડ) તા.આહવા)ને ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત થયું હતું.
મોટરસાઇકલ ચાલક વિશાલભાઈ રાજુભાઈ ગાવીત (રહે. પાયરપાડા તા.આહવા) તથા ટેમ્પો ચાલક દિનેશભાઇ નારાયણ પરમાર (રહે. ધર્મજ (આનંદ)ને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ શામગહાન સી.એચ.સીમાં ખસેડાયા હતા. જ્યાં બન્નેની હાલત નાજુક જણાતાં વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં આઈસર ટેમ્પો સહિત સિમેન્ટનાં પતરાનો જથ્થો તેમજ મોટરસાયકલને જંગી નુકસાન થયું હતું. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મરોલી-વેસ્મા રોડ પર સીમલક ગામ પાસે ટ્રક અડફેટે બેંકના કેશિયરનું મોત
નવસારી : મરોલી-વેસ્મા રોડ પર સીમલક ગામ પાસે ટ્રક અડફેટે બેંકના કેશિયરનું મોત નીપજ્યું હતું. મૂળ ગાંધીનગરના સરગાસણ સુર્યા સર્કલ પાસે પ્રમુખ પેસેફિકમાં અને હાલ જલાલપોરના મરોલી બજાર છીણમ રોડ પર રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ જશવંતભાઈ પ્રજાપતિ મરોલીમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે. કલ્પેશભાઈ સાથે વેસ્મા ગામની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં રવિભાઈ દિનેશભાઈ પંડ્યા કેશિઅર તરીકે ફરજ બજાવતા હતા. ગત 17મીએ રવિભાઈ વેસ્મા શાખાએથી બાઈક (નં. જીજે-21-એન-5785) લઈને રૂપિયા લેવા માટે મરોલી શાખામાં ગયા હતા. જ્યાંથી રવિભાઈ રૂપિયાની લઈ પરત વેસ્મા જવા નીકળ્યા હતા.
દરમિયાન મરોલી-વેસ્મા રોડ પર રવિભાઈ તેમની બાઈક એક કન્ટેનર પાછળ ચલાવી રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા ડમ્પર ટ્રક (નં. જીજે-05-એવી-5403)ના ચાલક અને મૂળ યુ.પી. ના સુલતાનપુર તાલુકાના આલઆધારપુર ગામે તેમજ હાલ સુરતના સચિન પાલી ગામે યાદવ નગરમાં રહેતા રાજેન્દ્રકુમાર નંદકુમાર ગૌતમે રવિભાઈની બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે રવિભાઈને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કલ્પેશભાઈએ મરોલી પોલીસ મથકે ટ્રક ચાલક રાજેન્દ્રભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. ડી.ડી. લાડુમોરેએ હાથ ધરી છે.