Dakshin Gujarat

સાપુતારા: સુબિર-કડમાળ માર્ગનાં કોઝવે પરથી કાર નીચે ખાબકી

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા સુબિરથી કડમાળને જોડતા આંતરીક ધોરીમાર્ગમાં એક કાર (Car) કોઝવેકમ પુલ પરથી નીચે ખાબકતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગામડાઓમાંથી 10 વ્યક્તિઓને ભરી કડમાળ તરફ જઈ રહેલી સેન્ટ્રો. કાર નં. જી.જે.15.કે.6741 જે સુબિરથી કડમાળને જોડતા આંતરીક ધોરીમાર્ગનાં તીવ્ર વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ કાર કોઝવેકમ પુલ પરથી નીચે નદીનાં પટમાં ખાબકી હતી. આ અકસ્માતનાં બનાવમાં કારમાં સવાર 4 બાળકો, 2 મહિલા અને 4 પુરૂષોને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની સુબિર સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ અકસ્માતનાં બનાવમાં કારને જંગી નુકસાન થયુ હતુ.

જર્જરિત રસ્તામાં પડેલા મોટા ખાડાના કારણે 12 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો
દમણ : સંઘપ્રદેશ દમણના ભેંસલોર કોસ્ટલ હાઈવે પર મોપેડ પર માતા-પુત્ર ઘર તરફ જઈ રહ્યા હોય એ દરમ્યાન ખાડામાં મોપેડ પડતાં સર્જાયેલા અકસ્માતમાં એક ટ્રકનું પાછળનું ટાયર રસ્તા પર પડેલા બાળકનાં શરીર પરથી ફરી જતાં ઘટના સ્થળે જ બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મળતી માહીતી પ્રમાણે મંગળવારે સાંજે ડાભેલના ઘેલવાડ ફળિયામાં રહેતા રીના નવીન પટેલ તથા તેનો 12 વર્ષિય પુત્ર ધૃવિક નવીન પટેલ તેમના મોપેડ પર સવાર થઈ કોસ્ટલ હાઈવેથી ડાભેલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સ્વાધ્યાય મંદિર, ભેંસલોર પાસે એક ટ્રક નં. HR-38-X-5388 કુંતા રોડ થઈને વાપી તરફ જઈ રહી હતી. મોપેડ સવાર રીનાબેન ટ્રકની આગળ જવા માટે આગળ વધ્યા ત્યારે જર્જરિત રસ્તામાં પડેલા મોટા ખાડામાં મોપેડ પડતાં પાછળ બેઠેલો બાળક રસ્તા પર પટકાયો હતો. જેના પરથી ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતાં ધ્રૃવિક પટેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રીનાબેનને નજીવી ઈજા થઈ હતી. પરિવારના વહાલસોયા બાળકનું આ પ્રમાણે મોત નિપજતાં પરિવારના સદસ્યોમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે દમણ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી ટ્રકના ચાલક રાહુલ પ્રશાંતસિંહ (રહે.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top