સાપુતારા : કામરેજથી ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ખોપરીઆંબા ગામે સુગરનાં મજૂરો લેવા જઈ રહેલી ટ્રક (Truck) નં. જી.જે.16 વાય 9106 મહાલથી ચીખલાને જોડતા આંતરીક માર્ગનાં ખોપરીઆંબા ગામે અચાનક બ્રેક ફેઈલ (Break fail) થઈ જતા માર્ગની સાઇડની સંરક્ષણ દીવાલ કૂદી ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ સુગરનાં મજૂરો લેવા આવેલી ટ્રકમાં કોઈ પણ મજૂર સવાર નહીં હોવાનાં પગલે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં ટ્રકને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.
ડિવાઈડરની ઊંચાઈ ઓછી, રિફલેક્ટર બોર્ડના અભાવે સર્જાતા અકસ્માત
વાંસદા : વાંસદા તાલુકાના ભીનાર ગામે આવેલા ખડકાળા સર્કલ પાસે ડિવાઈડર તૂટી ગયા છે. ઉપરાંત તેની ઊંચાઈ ખુબ જ ઓછી હોવાના કારણે તેમજ ડીવાઈડર પાસે રિફલેક્ટર બોર્ડના અભાવે પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ માર્ગ વાપી – શામળાજી હાઇવે નંબર ૫૬ હોવાના કારણે ૨૪ કલાક સતત વાહનોની અવર જવરથી વ્યસ્ત જોવા મળે છે. ત્યારે અહીં સર્કલ પાસે કેટલાય સમયથી તૂટી ગયેલા ડિવાઈડર અનેક લોકો માટે જીવનું જોખમ બની રહ્યું છે.
- વાંસદાના ખડકાળા સર્કલ પાસે અનેક લોકો માટે જીવનું જોખમ બની રહેલા તૂટી ગયેલા ડિવાઈડર
- અનેક ગંભીર અકસ્માત છતાં સંબંધિત તંત્રની ઊંઘ ઉડતી નથી
આજ ડિવાઈડર પાસે અગાઉ અનેકવાર ગંભીર જીવલેણ અકસ્માતો થયા છે, જેમાં કેટલાક નિર્દોષ લોકોના હાથ-પગ તૂટ્યા છે, તો કેટલાકે જીવ પણ ગુમાવ્યો છે. છતાં સંબંધિત તંત્રની ઊંઘ ઉડતી નથી. હાલ દિવાળીનો મોટો તહેવાર આવી રહ્યો છે, ત્યારે નવસારી, સુરત, બરોડા વગેરે શહેરોમાંથી અનેક પર્યટકો સાપુતારા – નાશિક – શિરડી તરફ રજાઓ માણી પરત ફરતી વખતે આજ સર્કલ પાસેથી પસાર થાય છે. જેના પગલે વહેલી તકે હાઇવે ઓથોરિટી વિભાગ આળસ ખંખેરી જરૂરી પગલા ભરે એ ખુબ જ જરૂરી છે.