Business

‘સપ્તશૃંગી માતાનો કંકુમાર્ચન ઉત્સવ’

સૃષ્ટિના નિર્માણમાં શકિતમાતાનો પુરુષાર્થ મહત્વનો છે. દેવદેવતા, ઋષિ-મહર્ષિ, પરમકૃપાળુ પરાક્રમી મા-ભવાનિની પ્રાર્થના કરે છે. અને ધર્મધુરંધર, આચાર્ય શ્ર મચ્છશંકરાચાર્ય પ્રાર્થના કરે છે. (ભવાન્યષૃકમ્‌) ન તાતો, ન માતા, ન બન્ધુર્ન, દાતા, ન પુત્રો ન પુત્રી, ન ભૃત્યોનભર્તા ન થયા ન વિદ્યા, ન વૃતિર્મ ભૈવ, ગતિસ્તવં, ગતિસ્ત્વં, ત્વમેકા ભવાનિ હે દેવિ ભવાનિ! પિતા – માતા – ભાઇ – દાતા – પુત્ર – કન્યા – ભૃત્ય – સ્વામી – સ્ત્રી-વિદ્યા અને વૃત્તિ, આ બધામાં મારું કોઇ પણ નથી. હે દેવિ! એક માત્ર તું જ મારી ગતિ છે. તું જ મારી ગતિ છો. (તું જ મારો આશ્રય છે). ભાવિક ભકતોએ દેવિમાતાને પ્રસન્ન રાખવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, સાધના – ઉપાયો અને વ્રતોની આરાધના આપી છે. તેનું પાલન કરવાથી, મનુષ્ય ઇચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે, એવું મનોરથપૂર્ણ થઇ શકે છે. એમાનું વ્રત છે ‘લાલ કંકુમાર્ચન વિધિ.’

અઢાર હાથોમાં શસ્ત્ર – અસ્ત્ર ધારણ કરેલી, ભવાનિ મા સપ્તશૃંગી માતા, મહિષાસુર મર્દિની, ચંડમુંડ ધારીણી દુર્ગામાતા રૂપે ભગવતી સુરતમાં  સલાબતપુરા ક્ષેત્રમાં અવતીર્ણ છે એ દેવિ-ભકતોનું મહાભાગ્ય છે. માતાજીના ચાર નવરાત્રી હોય છે. પોષ માસમાં શાકાંભરી નવરાત્ર. જે પૌષસુદ આઠમથી સુદ પૂનમ સુધી – હોય છે. ચૈત્ર નવરાત્રી સુદ એકમથી સુદ નોમ સુધી હોય છે. અશ્વિન નવરાત્રી, સુદ પડવાથી સુદ નોમ સુધી હોય છે. ત્રણ નવરાત્રીમાં ભવાનિનું પૂજન અર્ચન થાય છે. પણ એક અતિમહત્વની નવરાત્રી હોય છે જેનું નામ ‘ગુપ્ત નવરાત્રી’ છે.

ગુપ્ત નવરાત્રી ઉત્સવ અષાઢ સુદ એકમથી અષાઢ સુદ નોમ સુધી ઉજવાય છે. રોજ પૂજન – અર્ચન – આરતી સેવા થાય છે. પણ અષાઢ સુદ પાંચમ, સ્કંદ પાંચમના દિવસે કંકુમાર્ચનની પૂજા થાય છે. આ ગુપ્ત નવરાત્રી ઉત્સવ રવિવાર તા. ૧૧/૭/૨૧ થી રવિવાર તા. ૧૮/૭/૨૧ સુધી ઉજવાય છે. તેમાં ગુરુવાર તા. ૧૫/૭/૨૧ ના શુભ દિને સલાબતપુરા સપ્તશૃંગીમાતાનો દિવ્ય ભવ્ય લાલ કંકુમાર્ચન વિધિનો શુભ લાભદાયક ઉત્સવ હોય છે.

કંકુમાર્ચન વિધિ – પ્રતિ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ ભકતોના ઇચ્છાને માન આપીને શ્રી રાજરાજેશ્વરી સપ્તશૃંગી ભવાનિ માતાના રેશમવાડ સલાબતપુરાના મંદિરમાં સવારે દેવિલોક નિવાસી નર્મદા મૈયાની પ્રેરણાનુસાર તા. ૧૫/૭/૨૧ ના રોજ શ્રીમદ દેવી ભાગવતની પધ્ધતિ અનુસાર કંકુના શાસ્ત્રીય પધ્ધતિથી ઉપચાર કરવામાં આવશે.

લાલ શરદ કંકુના ઉપચારમાં ૧૨૫ કિલોગ્રામ કંકુનો ઉપયોગ થશે. મંદિરમાં ઉપસ્થિત બધી સુહાગન માતાઓ તથા બેનોના હાથે લાલ કંકુમાર્ચન થશે. માતાજીના જયકાર સાથે મંત્રોચ્ચારીત ધ્વનિમાં શ્રી સપ્તશૃંગીમાતાના ભાળ પર કંકુનો સ્ત્રોત વહેશે. અને મા ભવાનિના કૃપા પ્રસાદીથી બધીની ઇચ્છા પરિપૂર્ણ થશે, સંતતિ – સંપતિ – આરોગ્ય – આયુ અને સુખ, શાંતિ, વૈભવ, ઐશ્વર્ય પ્રાપ્ત થશે અને કષ્ટ ત્રાસ મટશે.

ગુપ્ત નવરાત્રીની એક રામયુગની કથા છે. જયારે શ્રીરામ – લક્ષમણ અને નાજુક સીતાજી વનવાસી બનીને વનમાં ગયા, તો સીતાજીને ખૂબ જ ત્રાસ સહન કરવો પડતો હતો. સીતાજી શકિતરુપ હતા. ૧૪ વર્ષનો ભયંકર વનવાસી કેમ પસાર થાય એમ વિચારતા સીતામાઇને ગેબી અવાજનો ધ્વનિ સંભળાયો. અને સીતાને કહ્યું ‘આવનાર અષાઢ માસમાં જેમાં ચાતુર્માસ શરૂ થાય છે. અષાઢ સુદ એકમથી નોમ સુધીનું માતાજીનું વ્રતનો માનસિક વ્રત કરીને ફલાહાર કરો, દુધ મળે તો ચોખાની ખીર પાયસ તરીકે આરોગો. સીતા માતાએ આ વ્રત કર્યુ, પણ શ્રીરામજીને એની ખબર ના પડી. સુદ પાંચમના દિવસે મનોમન માતાજીનું પૂજન કરીને ભવાનિને ફૂલ અક્ષતા અને કંકુ અર્પણ કર્યું. ત્યારે રામના પૂછવાથી વ્રત વિશે માહિતી આપી. અને આપણને કષ્ટ ના પડે અને વનવાસી જીવન સુખદ નિવડે એટલે આ વ્રત કર્યું છે. એમ સીતાએ કહ્યું.

શ્રી રામથી આ વ્રત ગુપ્ત રાખ્યું હતું એટલે આ સમયને ‘ગુપ્ત નવરાત્રી’ નામ પડયું, આ વ્રત કષ્ટભંજક છે. જે સુહાગન બેનો માતાને કંકુ ચઢાવે તે અખંડ સૌભાગ્યવતી રહે છે. બેનોના પ્રસુતિના અને સાંસારિક કષ્ટો મટી જાય છે.

મંદિરના ઉપસકો શ્રી બન્સીલાલ મહારાજ તથા વાસુદેવ મહારાજ મંત્રોચ્ચાર સાથે બેનોને કંકુમાર્ચન વ્રતનો મહિમા સમજાવે છે. ‘યા દેવિ સર્વ ભૂતેષુ કષ્ટ નિવારણરુપાય સંસ્થિતા, નમસ્તયૈ – નમસ્તયૈ – નમસ્તયૈ નમો નમ: યા દેવિ સર્વર ભૂતેષુ માર્ગદર્શક રુપાય સંસ્થિતા, નમસ્તયૈ – નમસ્તયૈ – નમસ્તયૈ નમોનમ: યા દેવિ સર્વભૂતેષુ સર્વોત્તમ સુખપ્રદાય સંસ્થિતા, નમસ્તયૈ – નમસ્તયૈ – નમસ્તયૈ નમો નમ:

Most Popular

To Top