સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતની સન્નારીઓ માટે એક અલગ જ પ્રકારની ઇવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટ સુરતમાં વસતી દેશનાં 33 સ્ટેટ્સની મહિલાઓ માટે છે. આમ તો આ આયોજન સુરતની મહિલાઓ આરોગ્યને લઈને અવેર થાય, ફિટ થાય તે માટેની વોકેથોન છે પણ આ વોકેથોન અનોખી એટલા માટે રહેશે કે તેમાં સુરતની મહિલાઓ સાડી પરિધાનમાં જ રહેશે. વળી, સુરત સાડી માટે નેશનલ અને ઇન્ટરનેશનલ ફલક પર પ્રખ્યાત છે અને એ આપણો ટ્રેિડશનલ પોશાક છે એટલે જ આ વોકમાં સાડી પરિધાનને વણી લેવામાં આવ્યું છે.
આજ સુધી સુરતમાં કે આખા ગુજરાતમાં આ રીતે મહિલાઓ માટે સાડીના પરિધાનમાં વોક માટેનું આયોજન લગભગ નથી થયું. આ વોકમાં 1000 કે 2000 નહીં પણ 15000થી વધુ મહિલાઓ પાર્ટીસીપેટ કરી મહિલા યુનિટીનો સંદેશ પણ ગુંજતો કરશે. આ આઈડિયા પણ SMC મહિલા કમિશનર શાલિની અગ્રવાલનો છે. તેમણે જ સુરતની અલગ-અલગ ક્ષેત્રની મહિલાઓ એક જ જગ્યા પર એકત્રિત થાય, એકબીજાના કાર્યક્ષેત્રને જાણે અને ટેક્સટાઇલ નગરી સુરતની ઓળખને વધુ મજબૂત બનાવે એ માટે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે.
તે માત્ર વોકેથોન પૂરતી સીમિત નથી રહેવાની તેમાં મહિલાઓને સૌથી પ્રિય પાણીપુરીને પણ સ્થાન મળવાનું છે. વળી અહીં 33 સ્ટેટના કલાકારોની કળાને ઉજાગર કરવા માટે 3 દિવસનું એક્ઝિબિશન પણ થશે. SMC કમિશનર શાલિની અગ્રવાલને આ મહિલાઓ માટે સાડી વોકેથોનનો વિચાર કેમ આવ્યો? આ અનોખી વોકેથોન માટે SMC પ્રશાસન શું તૈયારી કરી રહ્યું છે? તેની માહિતી SMC કમિશનર શાલિની અગ્રવાલે ‘ગુજરાતમિત્ર’ની ‘સન્નારી’ પૂર્તિની ટીમને આપેલા એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂમાં આપી.
આ વોકેથોનમાં 3 કોન્સેપ્ટ ફિટ ઇન્ડિયા, સાડી પરિધાન અને સુરત- મીની ભારતને વણી લેવાયું છે
SMC કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, ફિટ ઇન્ડિયાનો કોન્સેપ્ટ મહિલાઓને હેલ્થ બાબતે અવેર કરવાનો છે. ગૃહિણીઓ મોટાભાગનો ટાઈમ ઘરે રહે એટલે ક્યાંક ને કયાંક ફિઝિકલ હેલ્થ નિગ્લેક્ટ થાય છે. મહિલાઓમાં હેલ્થને લઈને અવેરનેસ આવે, તે રન કરે, તે વોક કરે, ફિઝિકલ એક્ટિવિટી કરે તે કોન્સેપ્ટ છે. બીજો કોન્સેપ્ટ સાડી વોકેથોનનો છે. તે એટલા માટે કે આ મહિલાઓ માટેની ઇવેન્ટ છે.
સુરત ટેક્સટાઇલ ક્ષેત્રે પ્રખ્યાત છે. સુરતની સાડી નેશનલ, ઇન્ટરનેશનલી ઓળખાય છે. આ ઇવેન્ટમાં વિમેનની યુનિટી, વિમેનના કલ્ચર, વિમેન એમ્પાવરમેન્ટ, વિમેનના પાર્ટીસીપેશનનું રીફલેક્શન થશે. એમને જે ગમે એવી સાડી અને એમની સ્ટાઇલમાં પહેરી શકશે તથા તેમને ઉત્સાહ આવે માટે સાડી વોકેથોનનું આયોજન કરાયું છે. ત્રીજો કોન્સેપ્ટ સુરત મીની ભારત છે. અહીં 33 સ્ટેટના લોકો વસે છે. જે સ્ટેટમાં જે પ્રકારની સાડી ચાલતી હોય, જે પ્રકારનું હેન્ડલુમ ચાલતું હોય, જે પ્રકારનું કાપડ ચાલતું હોય, જે સ્ટાઇલમાં સાડી પહેરાતી હોય તેની પ્રસ્તુતિ આ ઇવેન્ટમાં કરાશે એટલે મીની ભારતનું રીફલેક્શન આ ઇવેન્ટમાં થશે. આ વોકમાં તમામ સ્ટેટનો એક રીતનો સંગમ થશે.
એપ્રિલના ફર્સ્ટ વીકમાં સાડી વોકેથોનનું આયોજન થશે, 15000 મહિલાઓ ભાગ લેશે
SMC કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, ‘‘આ સુરત સાડી વોકેથોનનું આયોજન એપ્રિલના ફર્સ્ટ વીકમાં થશે. હજી તારીખ નક્કી નથી થઈ. આ ઇવેન્ટમાં ગૃહિણીઓ, બિઝનેસ વુમન અને બીજી જગ્યાઓ પરથી સુરતમાં જોબ માટે આવેલી મહિલાઓ પાર્ટીસીપેટ કરશે એટલે એક માસ મુવમેન્ટ શરૂ થશે. આમાં ભાગ લેનારી મહિલાઓ એકબીજાના સંપર્કમાં આવશે એટલે એકબીજાના વર્કને જાણીને ઇન્સપાયર થશે. અમે પહેલાં બધી મહિલાઓને એક જ પ્રકારની સાડી આપવાનો વિચાર કરેલો પણ તેમાં તેમની ચોઇસ નહીં રહે માટે તે જેમાં કમ્ફર્ટેબલ રહી શકે તેવી સાડી પરિધાન કરીને ભાગ લે તેવું ડીસાઈડ કરાયું. પહેલાં સાડી રનનું આયોજન કરવાનું વિચારેલું પણ પછી તેમાં એજેડ વુમન, વિકલાંગ મહિલાઓ અથવા જેમને ઘૂંટણમાં પ્રોબ્લેમ છે તેવી મહિલાઓ પાર્ટીસીપેટ નહીં કરી શકે માટે સાડી રનને બદલે સાડી વોકેથોનનું ડીસાઈડ કર્યું છે. આ ઇવેન્ટનો ટાઈમ મોર્નિંગનો રહેશે અને 2થી 3 કિલોમીટરની વોક રહેશે. આ વોકેથોનમાં 15000થી વધુ મહિલાઓ પાર્ટીસીપેટ કરશે. તેના માટેનું રજિસ્ટ્રેશન નેક્સ્ટ વીકથી શરૂ થશે.
અલગ-અલગ સ્ટેટની સાડીના કારીગરોનું 3 દિવસનું એક્ઝિબિશન થશે
અલગ-અલગ સ્ટેટના સાડીમાં વિવ્ઝ કરે છે તેમના આર્ટિસ્ટની કળાનું 3 દિવસનું એક્ઝિબિશન થશે. જે સાડી વોકેથોનના એક દિવસ પહેલાં શરૂ થશે. તે એક્સકલુઝીવ સાડી, વિવ્ઝ અને હેન્ડલુમ રીલેટેડ હશે. આ પ્રદર્શનમાં મહિલાઓને અલગ-અલગ જગ્યાની સાડીની કલા-કારીગરીની માહિતી મળશે અને ચોઇસ પણ મળશે.
પાણીપુરીનું રહેશે એટ્રેકશન
પાણીપુરીનું નામ સાંભળતા જ દરેક સ્ત્રીના મોઢામાં પાણી આવી જાય છે. આ સાડી વોકેથોન બાદ મહિલાઓ પાણીપુરી ખાઈને જઇ શકશે. આ ઉપરાંત સ્નેક્સ અને એનર્જી ડ્રિંક્સ માટે પણ ટેક્સટાઇલ સાથે જોડાયેલા લોકો સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. આ ઇવેન્ટમાં ભાગ લેનાર દરેક મહિલાઓને પાર્ટીિસપેશન સર્ટિફિકેટ અપાશે. આ ઇવેન્ટમાં N.G.O., સોસાયટીઓની મહિલાઓ તથા મહિલાઓ માટે કામ કરતી સંસ્થાઓને જોડવામાં આવશે. આ આઈડિયા દોઢ મહિના પહેલાં આવેલો અને તે સાયકલોથોનના આયોજન પરથી આવ્યો હતો.
એક મહિના પહેલાં સાયકલોથોનમાં 7000 લોકોએ ભાગ લીધો હતો
એક મહિના પહેલાં મનપા દ્વારા સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7000 લોકોએ ભાગ લીધો હતો. આ એવી પહેલી ઇવેન્ટ હતી જેમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તેમાં દરેક એજ ગ્રુપના લોકો સામેલ થયા હતા. આ સાયકલોથોન પરથી જ મહિલાઓ માટે સાડી વોકેથોનનો આઈડિયા આવ્યો હતી. સાડી વોકેથોન માટે સોશ્યલ મીડિયા કેમ્પેન શરૂ કરાશે. વોર્ડવાઇઝ મીટિંગ કરી સોસાયટીના લોકો સાથે કોન્ટેક્ટ કરી મહિલાઓને મોટી સંખ્યામાં આ ઇવેન્ટમાં જોડવામાં આવશે.
સુરતની મહિલાઓને ડ્રોન ચલાવવાની ટ્રેનિંગ અપાશે
SMC કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે SMCના 2023-24ના બજેટમાં સુરતની મહિલાઓ માટે વિવિધ આકર્ષણો ઊભા કરવામાં આવ્યાં છે. પબ્લિક પ્લેસીસ પર બ્રેસ્ટ ફીડિંગ સેન્ટર ઊભા કરાશે. જેથી એક માને તેના બાળકને સ્તનપાન કરાવવા માટેની જગ્યાની વ્યવસ્થા થશે. મહિલાઓ માટે શી ટોયલેટની વ્યવસ્થા કરાશે. સુરતની યુવતીઓને ડ્રોન ટેકનોલોજીની ટ્રેનિંગ અપાશે. તેમણે જણાવ્યું કે મેં વડોદરામાં 100 યુવતીઓને ડ્રોન ટેક્નોલોજીની ટ્રેનિંગ આપી હતી. આ યુવતીઓએ વડોદરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં ડ્રોનથી વીડિયોગ્રાફી કરી હતી. SMCના બજેટમાં 40 વર્ષથી વધુ ઉંમરની 3 લાખ મહિલાઓના બ્રેસ્ટ કેન્સર, ઓરલ કેન્સર અને સર્વાઈકલ કેન્સર બાબતનું મેડિકલ ચેકઅપ કરાશે. આ ઉપરાંત એડોલસન્ટસનું આયર્ન ચેકઅપ કરાશે.