જલગાંવ: શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારનો ‘ડેથ વોરન્ટ’ જારી થયો છે અને સરકાર આવનારા 15-20 દિવસોમાં પડી જશે.
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવ સેના (યુબીટી)ના મહત્વના નેતા રાઉતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું તેમનો પક્ષ અદાલતના આદેશની રાહ જોઈ રહ્યો છે અને તેમને આશા છે કે ન્યાય કરવામાં આવશે.
રાજ્ય સભા સાંસદ રાઉત સર્વોચ્ચ અદાલતમાં પડતર અરજીઓના સંદર્ભમાં ઉપરોક્ત વાત કહી હતી. એક અરજીમાં શિંદે જૂથની શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની માગ કરાઈ છે જેમણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વિરૂદ્ધ બળવો કર્યો હતો.
‘વર્તમાન મુખ્યમંત્રીની સરકાર અને તેમના 40 ધારાસભ્યો 15-20 દિવસમાં ધ્વસ્ત થઈ જશે. આ સરકારનું ડેથ વોરન્ટ જારી થયો છે હવે જોવાનું છે કે તેના પર કોણ સહી કરે છે’, એમ રાઉતે દાવો કર્યો હતો.
રાઉતે અગાઉ દાવો કર્યો હતો કે શીંદે સરકાર ફેબ્રુઆરીમાં પડી જશે
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂન મહિનામાં શિંદે અને 39 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ બળો કર્યો હતો જેના પગલે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહા વિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી અને શિવસેનાના ભાગલા પડયા હતા.