મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટ(Political Crisis) વચ્ચે શિવસેના(Shiv sena)ના નેતા સંજય રાઉત(Sanjay Raut)ને મોટો ઝટકો લાગ્યો છે. EDએ સંજય રાઉતને પાત્રા ચાલ જમીન કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે અને આવતીકાલે હાજર થવા માટે કહ્યું છે. આ મામલે સંજય રાઉત ભડકી ઉઠ્યા છે તેમને કહ્યું કે, ભલે મારું માથું કાપી નાખવામાં આવે તો પણ હું ગુવાહાટીનાં રસ્તા પર નહિ જાઉં’. EDએ પાત્રા ચાલ જમીન કૌભાંડ મામલે સંજય રાઉતને સમન્સ પાઠવવા આવ્યું છે. આ કેસ વર્ષ 2007નો છે. તે સમયે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર હતી. મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ હતા.
તમે મારું માથું કાપી નાખો તો પણ હું ગુવાહાટીનો રસ્તો નહીં લઈશ: રાઉત
સંજય રાઉતે EDની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મને ખબર પડી છે કે EDએ સમન્સ મોકલ્યા છે. મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઘટનાઓ ચાલી રહી છે. અમે બાળાસાહેબના શિવસૈનિકો એક મોટી લડાઈ લડી રહ્યા છીએ. મને રોકવા માટે આ એક મોટું ષડયંત્ર છે. મારું માથું કપાઈ જાય તો પણ હું ગુવાહાટીનાં રસ્તે નહીં જાઉં.
ભાજપે કહ્યું- હિસાબ આપવો પડશે
બીજેપી નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટ કર્યું કે, મારી માતા, પત્ની અને મારા પુત્ર અને મને જેલમાં મોકલવાનું ષડયંત્ર નિષ્ફળ ગયું. અમને ધમકાવો કે ગાળો આપો પણ હિસાબ તો આપવો પડશે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ટ્વીટ કર્યું, શિવસેનાની સત્તા હવે ભૂતકાળની વાત બની ગઈ છે. યુવરાજને ધમકાવવાનું બંધ કરો, જે પોતાના શરીર પર બેઠેલા મચ્છરને પણ મારી નથી શકતા. ‘ગુવાહાટીની હોટલમાંથી બળવાખોરોના મૃતદેહ બહાર આવશે’ જેવા નિવેદનો પર કોણ વિશ્વાસ કરશે. શું આવી ધમકીઓ આપવી એ ગુનો નથી?
શું છે પાત્રા ચાલ જમીન કૌભાંડ
વર્ષ 2017માં કોંગ્રેસ-એનસીપી સરકારે નિર્ણય લીધો હતો કે પત્રચાલમાં રહેતા 672 ભાડૂતોને ફ્લેટ મળશે. આ માટે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (MHDA) એ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL)ની પેટાકંપની ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપ્યો છે. કરાર મુજબ, 672 ફ્લેટ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન દ્વારા ચાલના ભાડૂતોને આપવાના રહેશે અને 3,000 ફ્લેટ MHDAને સોંપવાના રહેશે. આ ફ્લેટ 47 એકર જમીનમાં બનવાના હતા. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે ભાડૂતો અને MHDA માટે ફ્લેટ તૈયાર કર્યા પછી બાકી રહેલી જમીનને વેચાણ અને વિકાસ માટે મંજૂરી આપવી પડશે. કોણ શું અને કેવી રીતે કરશે તે બધું નક્કી હતું. પરંતુ કોન્ટ્રાક્ટ લેનાર ફર્મ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને તેમ કર્યું ન હતું. પેઢીએ ન તો ચાલના લોકો માટે ફ્લેટ બનાવ્યા કે ન તો MHDAને કોઈ ફ્લેટ આપ્યો. કંપનીએ અન્ય આઠ બિલ્ડરોને જમીન આપી હતી.
શિવસેનાના સાંસદ સંજય રાઉતનો આ કૌભાંડ સાથે શું સંબંધ છે?
કૌભાંડો કરનાર HDILના ડિરેક્ટરો પ્રવીણ રાઉત, સારંગ વાધવાન, રાકેશ વાધવાન છે. પ્રવીણ રાઉત અને સારંગની 2020માં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પૂછપરછ દરમિયાન સંજય રાઉતનું કનેક્શન સામે આવ્યું હતું. પ્રવીણ રાઉત શિવસેના સાંસદ સંજય રાઉતના મિત્ર છે. PMC બેંક કૌભાંડ કેસમાં પ્રવીણનું નામ પણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષાને 55 લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપી હતી, જેનો ઉપયોગ રાઉત પરિવારે દાદરમાં ફ્લેટ ખરીદવા માટે કર્યો હતો. આ સંદર્ભમાં EDએ વર્ષા અને માધુરી રાઉતના નિવેદનો નોંધ્યા હતા. નોંધનીય છે કે 5 એપ્રિલે પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં EDએ શિવસેના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી .તેમના અલીબાગમાં આઠ પ્લોટ અને દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો હતો.