પક્ષના કાર્યકરોને ખુશ કરવાની લ્હાયમાં ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેર કાર્યક્રમમાં ભાજપનો કાર્યકર તમામ નિયમોથી ઉપર હોય તેવું નિવેદન કરી દીધું હતું. ભાજપના જ લિંબાયત વિધાનસભામાં પેજ પ્રમુખના કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય સંગીતા પાટીલે ખુદ પોતાના જ પક્ષના કાર્યકરોને એવું કહ્યું હતું કે, તમને પોલીસ પકડે તો ભાજપના પેજ પ્રમુખનું કાર્ડ બતાવી દેજો અને જો નહીં માને તો મને ફોન કરજો.
ભાજપ દ્વારા લિંબાયત વિધાનસભા વિસ્તારમાં પેજ પ્રમુખને કાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલતા ધારાસભ્ય સંગીતા પાટીલે કાર્ડ વિતરણ થઈ ગયા બાદ પોતાના કાર્યકર્તાઓને એવું કહ્યું હતું કે આ કાર્ડ થકી ભાજપે તમને એક ઓળખ આપી છે. આ કાર્ડ તમને શા માટે આપવામાં આવ્યો છે તે તમને ખબર છે? તમે કહી શકો છો કે હું ભાજપનો સદસ્ય છું. પેજનો પ્રમુખ છું. કોઈ પોલીસ પણ પકડે તો કહી દેજો કે હું ભાજપના પેજનો પ્રમુખ છું. નહીં માને તો મને ફોન કરજો’.
ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા કરાયેલા આ નિવેદનનો વિડીયો ભારે વાઈરલ થયો હતો. ભાજપનો કાર્યકર જાણે પોલીસથી માંડીને તમામ સરકારી કર્મચારીઓથી ઉપર હોય તેવો રૂઆબ ધારાસભ્ય સંગીતા પાટીલના નિવેદન દ્વારા કરાયો હતો. આ વિડીયો વાઈરલ થતાં જ કોંગ્રેસના ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી, કોર્પોરેટર અસલમ સાયકલવાળા સહિતના આગેવાનો દ્વારા ભારે વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પેજ કમિટી બનાવવા નીકળેલા કાર્યકરો માટે વાત કરી હતી : ધારાસભ્ય સંગીતા પાટીલ વિવાદીત નિવેદનના મામલે ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે મે એવા અર્થમાં કહ્યું હતું કે દિવસે જે નોકરી ધંધો કરતા હોય તે ભાજપના કાર્યકરો રાત્રે પેજ કમિટીનું કામ કરવા નીકળે અને મોડું થાય તો પોલીસને કાર્ડ બતાવી શકો છે.