સુરત: અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Surat Income tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની, હોમલેન્ડ અને અરિહંત ગ્રુપ સહિત ૪૦ સ્થળોએ સર્ચ કાર્યવાહી (Search Operation) કરી હતી. આ સર્ચ કાર્યવાહી સતત ચોથા દિવસે ચાલુ રહી છે. જોકે ત્રીસ સ્થળોએ ડોક્યુમેન્ટ જપ્ત (Document seize ) કરી તપાસ પુરી કરવામાં આવી છે. જ્યારે 10 સ્થળો પર તપાસ હજી ચાલી રહી છે. બિલ્ડર ગ્રુપમાં સંગીની ગ્રુપના રવજી અને વેલજી શેટા, હોમલેન્ડ ગ્રુપના નરેન્દ્ર ગર્ગ, મહિધરપુરા હીરાબજારના મોટાગજાના ફાઇનાન્સર મહેન્દ્ર ચંપકલાલ, બાંધકામ ઉદ્યોગ અને હીરાઉદ્યોગમાં વ્યાજે નાણાં ફેરવનાર ફાઇનાન્સર અશેષ દોશી, કિરણ સંઘવી સહિતના ત્રણ જુદા જુદા ગ્રુપના ૨૭ પ્રોજેકટ અને ૪૦ સ્થળો પર કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સર્ચ કાર્યવાહી દરમ્યાન કરોડોના બેનામી વ્યવહારોના (Benami Transactions) ડોક્યુમેન્ટ અને ડાયરીઓ આવકવેરા વિભાગે જપ્ત કરી છે. 15 થી વધુ લોકરોમાંથી રોકડ અને જ્વેલરી (Cash And Jewelry) સીઝ કરવામાં આવી છે. ડોક્યુમેન્ટના વેરિફિકેશન (Verification) માટે એપ્રાઈઝલ (Appraisal ) અને વેલ્યુઅરની (Valuer) મદદ લેવામાં આવી છે. તથા બિલ્ડરો, (Builder) જ્વેલર્સ (Jewelers) અને ફાઈનાન્સરની (Financer ) પૂછપરછ કરી ક્રોસ વેરિફિકેશન સાથેના નિવેદનો (Statement) નોંધવામાં આવ્યા છે. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ચાર જુદા જુદા ગ્રુપ દ્વારા 1000 થી 1200 કરોડનું મૂડી રોકાણ વેસુ વીઆઇપી રોડ, અડાજણ, પાલ, રાંદેર ગોરાટ રોડ, જહાંગીરપુરા, પાલ ગૌરવપથ સહિતના પ્રાઇમ લોકેશનના પ્રોજેકટમાં કરવામાં આવ્યુ હતું. બાંધકામ ઉદ્યોગમાં મંદી છતાં આ ચાર ગ્રુપના સંયુક્ત રોકાણ સાથે શહેરના પ્રાઈમ લોકેશન પર ૭ પ્રોજેકટના બાંધકામ ધમધમી રહ્યા છે અને મોટા પાયે ઇન્વેસ્ટરો અને ફાઇનાન્સરોએ રોકાણ કર્યું છે. આવકવેરા વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે તેમાં મોટાભાગના ડોક્યુમેન્ટ અને રોકાણ ઈન્કમટેક્ષ રિટર્નના ડેટા સાથે મેચ થયા નથી. તેને લગતી પૂછપરછ કરવામાં આવી રહી છે.
કોમ્પ્યુટર અને લેપટોપમાંથી ડિલીટ કરાયેલો ડેટા ફરી મેળવવા આઈટી એક્સપર્ટની મદદ લેવાઈ
સુરત આવકવેરા વિભાગ દ્વારા સંગીની, અરિહંત અને હોમલેન્ડ ગ્રુપ સહિતના ફાઈનાન્સરો અને બ્રોકરોને ત્યાં પણ સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી. દિવાળી પછી જો આવકવેરા વિભાગ ત્રાટકે તો છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન થયેલા કાયદેસરના અને બેનામી સોદાઓની પૂરેપૂરી માહિતી આવકવેરા વિભાગને ન મળે તે માટે કેટલાંક ડેટા લેપટોપ અને કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે કેટલાંક લેપટોપના ડેટા કોડવર્ડથી બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ ડેટા ફરી મેળવવા આઈટી એક્સપર્ટની મદદ લેવામાં આવી છે. કારણકે 40 લોકોને ત્યાં સર્ચ દરમ્યાન જુદાજુદા ડોક્યુમેન્ટ, હિસાબો, ડાયરીઓ અને ઈમેઈલ મળ્યા હોવાથી કરચોરી કેટલા કરોડોની છે તેના નિષ્કર્ષ પર પહોંચતા આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગને સમય લાગશે એમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. જેમનાં નામોની ડાયરીઓ બની છે તેની સંખ્યા સારી એવી હોવાથી પૂછપરછ કરવામાં વિભાગને સમય લાગશે એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.
80 કરોડની જમીનની લે-વેચ અને શેર બજારમાં મોટાપાયે રોકાણના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા
આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગના સૂત્રોએ જણાવ્યું હતું કે 4 દિવસની સર્ચ કાર્યવાહી દરમ્યાન 80 કરોડની જમીનના લે-વેચને લગતાં ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે તે ઉપરાંત બિલ્ડર, જ્વેલર્સ અને ફાઈનાન્સર ગ્રુપ દ્વારા શેર બજારમાં મોટાપાયે મૂડી રોકાણ કરવામાં આવી છે તે પૈકી આ ડોક્યુમેન્ટ ઈન્કમટેક્સ રિટર્નના કયાં વર્ષ દરમ્યાન દર્શાવવામાં આવ્યા છે તેનું વેરીફિકેશન કરવામાં આવ્યું છે. આ ગ્રુપ સાથે સંકળાયેલા એક પણ વ્યકિતએ કાળા નાણાંની હજી સુધી કોઈ કબૂલાત કરી નથી. તેમણે આવકવેરા વિભાગના અધિકારીઓ સમક્ષ મોટાભાગની પ્રોપર્ટીની લે-વેચ કંપનીઓના રિટર્નમાં દર્શાવી હોવાનો બચાવ કર્યો છે.