ભારતના રાજકીય ઇતિહાસમાં હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘RSS’ની રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી બે ટર્મમાં કેન્દ્રમાં બહુમતીથી પોતાની સરકાર બનાવી છે. આ જ કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મેકઓવર થયું છે. અમદાવાદમાં સ્થિત ‘RSS’નું કેન્દ્ર હેડગેવાર ભવન અત્યાધુનિક રીતે નવનિર્મિત થયું છે. એ રીતે દેશભરમાં ‘RSS’ નવી રીતભાત સાથે પોતાને ચકચકિત કરી રહ્યું છે. ‘RSS’ની આ સફરને હાલમાં જાણીતા પત્રકાર વિજય ત્રિવેદીએ પુસ્તકરૂપે ઉતારી છે.
પુસ્તકનું નામ છે : ‘સંઘમ્ શરણમ્ ગચ્છામિ.’ વિજય ત્રિવેદી એક સમયે ‘NDTV’ના કન્સલ્ટિંગ એડિટર રહી ચૂક્યા છે. આ અગાઉ તેમણે ભાજપના ઇતિહાસ વર્તમાન પર પણ ‘બીજેપી : કલ, આજ ઔર કલ’નામનું પુસ્તક લખ્યું છે. દિલ્હી અને દેશની રાજનીતિને જોવાનો વિજય ત્રિવેદીનો લાંબો અનુભવ છે અને આ અનુભવના જોરે જ તેમણે ‘RSS’ પર પુસ્તક લખ્યું છે. લેખકનો દાવો છે કે ‘RSS’ની સફરનો આ પ્રામાણિક દસ્તાવેજ છે. આજે 95 વર્ષની થવા આવેલી ‘RSS’ દેશના ઇતિહાસની ઘટનાઓ સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. આ ઇતિહાસમાં તેની ભૂમિકા કેટલી રહી છે તે જાણવા-તપાસવાનો વિષય છે; પણ વર્તમાનમાં તો તેનો હિસ્સો અપૂર્વ રીતે વધી રહ્યો છે. ‘RSS’ની આ ગાથાની થોડી ઝલક આ પુસ્તક થકી મેળવીએ.
‘ન્યૂઝલોન્ડ્રી’ પોર્ટલ પર આ પુસ્તકની સમીક્ષા કરવામાં આવી છે અને તેમાં શરૂઆતમાં જ જે મુદ્દા ટાંકવામાં આવ્યા છે તે પ્રશ્નો હંમેશાં ‘RSS’ પર થતાં આવ્યા તે છે. જેમ કે, ગાંધીજીની હત્યામાં સંઘની ભૂમિકા શું હતી? હિંદુ રાષ્ટ્રની વિભાવનાનો ઉપયોગ સંઘ પરિવાર અને તેમના અનુયાયી દ્વારા કરવામાં આવે છે, તો તેનો ખરેખર અર્થ શું છે? દલિત, અલ્પસંખ્યકો અને મહિલાઓને લઈને સંઘની અસ્પષ્ટ નીતિ રહી છે, આમ કેમ? …આવા અનેક પ્રશ્નો ‘RSS’ સાથે જોડાયેલા છે અને તેના જવાબ ‘RSS’ તરફથી સ્પષ્ટ થતા નથી.
દેશના આ અતિગંભીર મુદ્દાઓને, અસ્પષ્ટતાને સ્પષ્ટ કરવાનું એક પુસ્તક દ્વારા તો સંભવે જ નહીં પણ વિજય ત્રિવેદીએ ‘RSS’ની વિચારધારા કેવી રીતે ઘડાઈ અને તેનો વ્યાપ કેવી રીતે વધી રહ્યો છે તેનો ઇતિહાસ પુસ્તકના આગળના હિસ્સામાં આલેખ્યો છે. તેમાં તેઓ લખે છે : 1925માં ડૉ. હેડગેવારે ભારતને એક હિન્દુ રાષ્ટ્રના રૂપમાં જોવાના સપનાં સાથે ‘RSS’નો પાયો નાંખ્યો અને તે પછી હિન્દુ રાષ્ટ્રવાદ સાથે સત્તાના શીર્ષ સુધી પહોંચવાની સફર આરંભાઈ. આ પૂરી સફરમાં નેતા નહીં પણ વિચારધારા અગત્યની છે અને તે માટે સંઘને માત્ર તેમની શાખા દ્વારા સમજીએ તો તે ‘પંચતંત્રના હાથી’ની વાર્તા જેમ એક બાજુએથી જાણવા જેવું છે.
જો કે લેખકે પુસ્તકમાં આંકડાથી સંઘનો વિસ્તાર સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ લખે છે કે સંઘ આજે અંદાજે 1,75,000 જુદી જુદી યોજનાથી જોડાયેલું છે. ઉપરાંત દેશમાં તેની 60,000 શાખાઓ ચાલી રહી છે અને દેશમાં અને વિદેશમાં તેના 40થી વધુ પેટા સંગઠનો છે. 95 વર્ષની આ સફરમાં સંઘ તરફનો જોવાનો દૃષ્ટિકોણ સતત બદલાતો રહ્યો છે અને હવે તો તેમાં સામેલ થનારાઓની સંખ્યા પણ વધી રહી છે. લેખક ‘RSS’ને ફિનિક્સ પક્ષી સાથે સરખાવે છે અને તેઓ લખે છે કે કોઈ પણ સંગઠન માટે સો વર્ષની નજીક પહોંચવું તે અગત્યનું હોય છે. એક સમયે ‘RSS’ પર શાસનના કેન્દ્રસમા દિલ્હીના રાયસીના હિલ પરથી ત્રણ-ત્રણ વાર પ્રતિબંધ લાગી ચૂક્યો છે. પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે આજે તેઓ રાયસીના હિલને નિયંત્રિત કરી રહ્યા છે.
‘RSS’ હવે હાંસિયામાં ધકેલાયેલું સંગઠન નથી, બલકે ભારતના સૌથી મજબૂત સંગઠનમાં તેની ગણના થાય છે. રાષ્ટ્રપતિથી વડા પ્રધાન, રાજ્યના મુખ્યંત્રીઓ, કેન્દ્રીય મંત્રી અને રાજ્યપાલ સહિત અનેક મહત્ત્વના પદો પર બેસનારી વ્યક્તિઓ એવાી છે જેમની રાજકીય અને સામાજિક કાર્યોની ટ્રેનિંગ સંઘમાં થઈ છે. વર્તમાન રાજકીય પરિપ્રેક્ષ્યમાં આ પૂરા ચિત્રને જોઈએ તો ‘RSS’ના ઉદયના ઠોસ કારણો જાણી શકાય છે. કૉંગ્રેસની નબળાઈ, સમાજવાદીઓમાં પરિવારવાદનું વર્ચસ્વ અને લેફ્ટ પૂર્ણતઃ અદૃશ્ય થવાથી રાજનીતિના ક્ષેત્રમાં જે અવકાશ થયો, તેને સંઘે ભરી કાઢ્યો.
સંઘ આ કેવી રીતે કરી શક્યું તેનો જવાબ પણ વિજય ત્રિવેદી આપે છે. તેઓ લખે છે : સંઘમાં જે સૌથી અગત્યની વાત શીખવાડવામાં આવે છે તે સંમતિ બનાવવાની અને જે બહુમતીથી સંમતિ બની હોય તેના પર કામ કરવાની. જે વાત પર સૌ સમંત થયા છે તેના પર તમને ભલે વિશ્વાસ ન હોય, પણ એક વાર જો તેના પર કામ કરવાનું નક્કી થઈ ગયું તો તેને માનવું અને પછી કરવું. આ ઉપરાંત ‘RSS’માં 40 સહયોગી સંગઠન છે, જેમાં બારેક જેટલાં ‘માસ બેઝ’ સંગઠન છે. મતલબ કે બાર એવાં સંગઠન છે જેઓ સીધા જ લોકો વચ્ચે કામ કરે છે અને તેમાં મોટા ભાગનાં સંગઠનો તાલુકા સ્તર સુધી પહોંચી ચૂક્યા છે.
આ સહયોગી સંગઠનોની ખાસ વાત એ છે કે તે તમામ સ્વાયત્ત છે. તેઓને સંઘથી સીધો કોઈ આદેશ મળતો નથી. તેમના ‘ઇન્ટરડિપેન્ડેસ’ની જગ્યાએ ‘ઇન્ટરેક્શન’ છે. દરેક સંગઠનનું ધ્યેય અલગ છે, પરંતુ તેમનામાં જીવનમૂલ્ય એક જ છે. આ સંગઠનો સમાજના અલગ અલગ હિસ્સામાં કાર્યરત છે. ‘RSS’ના બંધારણ મુજબ આ સંઘીય વ્યવસ્થા છે. નીતિગત નિર્ણય કેન્દ્ર લે છે પરંતુ તેનો અમલ કેવી રીતે કરવો તેનું સૂચન પ્રાંતીય અને જિલ્લા સ્તર પર થાય છે. એ જ પ્રમાણે આ પૂરા સંગઠનને યોગ્ય રીતે કાર્યરત રાખવા માટે તેમાં ચૂંટણી પ્રક્રિયા થાય છે. દર ત્રણ વર્ષે સંઘમાં અલગ અલગ પદ માટે ચૂંટણી થાય છે.
સંઘના સંગઠનમાં સર્વોચ્ચ સ્થાન સરસંઘચાલકનું હોય છે. હાલમાં તે પદે મોહન ભાગવત છે. સંઘની એક મહત્ત્વની કડી છે પ્રચારક. આ પ્રચારક ફુલટાઇમ કાર્ય કરનારા અને સંઘ પ્રત્યે નિષ્ઠા સાથે પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘RSS’માં આ જ ભૂમિકા ભજવી ચૂક્યા છે. પ્રચારકને વળતર નથી ચૂકવાતું. તેમનો તમામ ખર્ચ સંઘ ઉઠાવે છે.
લેખક વિજય ત્રિવેદીએ સંઘનું પૂરું માળખું પુસ્તકમાં સમજાવ્યું છે. આ માળખાની વિગત લાંબી છે. વિજય આ માળખું સમજાવતાં ઘણી જગ્યાએ સંઘના ગુણ દર્શાવી રહ્યા છે. એવો જ એક ગુણ લેખકે સંઘમાં વ્યક્તિ પૂજા નથી થતી તે અંગે દર્શાવ્યો છે. તેઓ લખે છે કે સંઘમાં માત્ર ભગવા ધ્વજને પ્રણામ કરવાની પ્રણાલી છે. સંઘમાં તમામ કાર્ય ભગવા ધ્વજને પ્રણામ કર્યા બાદ જ આરંભાય છે અને ગુરુ દક્ષિણામાં પણ ભેટ તરીકે ભગવો ધ્વજ જ આપવામાં આવે છે. ભગવા ધ્વજને પ્રણામ કરવાની પ્રણાલી સંઘના સ્થાપક ડૉ. હેડગેવાર દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી. તેઓ માનતા હતા કે વ્યક્તિ પતિત હોઈ શકે છે પણ વિચાર હંમેશા શુદ્ધ રહી શકે છે.
આ પુસ્તક વિશેની જેટલી પણ વાત ન્યૂઝના માધ્યમથી પ્રકાશિત થઈ છે તેમાં લેખકે ‘RSS’ના જમા પાસાં જોયા હોય એમ જણાય છે. જેમ કે, તેઓ સંઘનું ‘મહત્ત્વપૂર્ણ ચરિત્ર’ કરીને જે આલેખે છે તેમાં તેઓ લખે છે કે, સંઘ અન્ય સંગઠનની જેમ ક્યારેય ભંડોળ લેતું નથી. સંઘને કાર્યરત રાખવા ડૉ. હેડગેવાર દ્વારા જ પ્રણાલી શોધી કાઢવામાં આવી હતી. આ પ્રણાલી મુજબ ગુરુ પૂર્ણિમાના દિવસે સંઘના સ્વયંસેવક ભગવા ધ્વજ સામે ફૂલ અર્પે છે અને તેની સાથે એક બંધ કવર મૂકે છે. આ કવરની કોઈ ઓળખ નથી હોતી, તેથી તે દાન ગુપ્ત રહે છે. કોણે કેટલાં નાણાં આપ્યાં તે જાહેર થતું નથી.
સંઘની સફર આમ ચડતી-પડતીની છે. સંઘની મજબૂતી સાથે ઇતિહાસની ઘટનાઓને ભિન્ન દૃષ્ટિથી જોવાનો સિલસિલો દેશમાં શરૂ થયો છે. વિશેષ કરીને દેશને આઝાદી મળી તેની આસપાસનો ઇતિહાસ. અત્યાર સુધી આઝાદીની લડતની કથાવસ્તુમાં નાયકોમાં ક્યાંય ‘RSS’ના આગેવાનો નહોતા, પણ હવે તેમનું યોગદાન રહ્યું છે તેવી રજૂઆત થઈ રહી છે. આ રજૂઆત પ્રામાણિકપણે થાય તો જ લોકો સમક્ષ સાચો ઇતિહાસ આવે.