નવી દિલ્હી: ખાલિસ્તાની (Khalistan) સમર્થકોએ સાન ફ્રાન્સિસ્કોમાં (San Francisco) ભારતીય કોન્સ્યુલેટને આગ (Fire) ચાંપી દીધી હતી. જો કે ફાયર વિભાગની સૂઝબૂઝનાં કારણે આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર નથી. અમેરિકાએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ પર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે.
શું છે મામલો?
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કેટલાક ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ 2 જુલાઈ રવિવારે સવારે 1.30 થી 2.30 વાગ્યાની વચ્ચે સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ભારતીય કોન્સ્યુલેટને આગ ચાંપી દીધી હતી. આગ ઝડપથી કોન્સ્યુલેટમાં ફેલાવા લાગી હતી. જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ પણ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
આ બે અમેરિકી ભારતીય પર હત્યાનો આરોપ!
જાણકારી મળી આવી છે કે અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ અને કોન્સલ જનરલ ડૉ. ટીવી નાગેન્દ્ર પ્રસાદને નિશાન બનાવતા પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ખાલિસ્તાનીઓ આ બંને પર કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
યુએસમાં વિદેશી રાજદ્વારીઓ દૂતાવાસોમાં તોડફોડ અથવા હિંસા કરવી ગુનો
અમેરિકી સરકારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ પર આગચંપીની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે એક નિવેદન જારી કરીને કહ્યું કે ‘અમેરિકા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટને આગ ચાંપવાની ઘટનાની સખત નિંદા કરે છે. તેમણે કહ્યું યુએસમાં વિદેશી રાજદ્વારીઓ દૂતાવાસોમાં તોડફોડ અથવા હિંસા કરવી એ ગુનો છે.
આ પહેલા પણ ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યાં હતા
થોડા મહિના પહેલા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિરોધીઓએ સુરક્ષા અવરોધો તોડી નાખ્યા હતા અને કોન્સ્યુલેટ પરિસરમાં ખાલિસ્તાની ઝંડા લગાવ્યા હતા. આ પહેલા લંડનમાં ભારતીય કોન્સ્યુલેટ પર પણ ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.