Gujarat

મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાગલેએ ચાર્જ સંભાળ્યો

ગાંધીનગર : ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર સંદીપ સાગલે (આઈએએસ)એ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો છે. પદ સંભાળ્યા બાદ પ્રથમ જ દિવસે તેમણે સક્રિય અભિગમ દાખવતા મુખ્ય નિર્વાચન અધિકારી કચેરીની તમામ શાખાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્યવ્યાપી તંત્રની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન ચૂંટણી સંચાલન, સંકલન, મતદાર યાદી, મીડિયા સેલ, ફરિયાદ નિવારણ તેમજ માહિતી પ્રૌદ્યોગિકી સહિતની વિવિધ શાખાઓના જવાબદાર અધિકારીઓ પાસેથી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્ય નિર્વાચન અધિકારીએ હાલની સ્થિતિ અંગે તાગ મેળવીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા હતા.

તેમણે ખાસ કરીને રાજ્યથી લઈને જિલ્લા સ્તર સુધી ચૂંટણી સંબંધિત તાલીમ વ્યવસ્થા સુયોગ્ય રીતે યોજાય તે અંગે ભાર મુક્યો હતો. તાલીમ પ્રક્રિયામાં વધુ રચનાત્મકતા લાવી કામગીરીને અસરકારક બનાવવા માટે પણ અધિકારીઓને તાકીદ કરી હતી.આગામી સમયમાં યોજાનાર વિવિધ ચૂંટણીઓ અને મતદાર યાદીના સંક્ષિપ્ત સુધારણા સહિતના મહત્વપૂર્ણ આયોજનોને ધ્યાનમાં રાખીને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર સજ્જ બન્યું હોવાનું પણ બેઠક દરમિયાન જણાયું હતું.

Most Popular

To Top