સુરત(Surat): શહેર અને જિલ્લામાં ઠેરઠેર તાપીના (Tapi) તટમાંથી ગેરકાયદે રેતી ખનની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ કોઈનાથી છૂપું નથી, પરંતુ તંત્ર જાણે આંખે પાટા બાંધીને બેઠું છે. હદ તો ત્યારે થાય છે જ્યારે કલેક્ટર કચેરીની નજીક પાલ જેવા રહેણાંક વિસ્તારમાંથી તાપી કિનારેથી બેફામ રેતી ઉલેચવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર રેતીચોરો સામે કોઈ કાર્યવાહી ન કરતું હોય ત્યારે પ્રશ્ન ઉઠે કે કોના આર્શીવાદથી રેતીખનનનું (Sand mining) કૌભાંડ (Scam) ફુલ્યુફાલ્યું છે.
- સુરતમાં ખનિજમાફિયા બેફામ, અનેક વખત દરોડા છતાં ખનન બંધ નથી કરતા
- ફ્લાઈંગ સ્કવોડે પાલ કુબેશ્વર મંદિર પાછળથી જેસીબી, બે ટ્રક સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- નાનપુરાના ભદ્રેશ ભગત રેતીચોરીનો સૂત્રધાર હોવાની પ્રાથમિક વિગતો સામે આવી
સ્થાનિક અધિકારીઓ તો રેતીચોરો (Sand Thieves) સામે કોઈ કાર્યવાહી કરી રહ્યાં નથી પરંતુ ફ્લાઈંગ સ્કવોડે (Flying Squad) શુક્રવારે સાંજે રેતીચોરો સામે કાર્યવાહી કરી છે. પાલના કુબેશ્વર મંદિર નજીક રાત્રિના સમયે ગેરકાયદે રેતીખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ફ્લાઈંગ સ્કવોડને બાતમી મળી હતી.
આ બાતમીને પગલે ફ્લાઈંગ સ્કવોડના વડા નરેશ જાનીની સૂચનાથી હિતેશ પટેલ અને વિજય વસાવાએ પાલના કુબેશ્વર મંદિર નજીક તાપી કિનારે દરોડા પાડ્યા હતા. ત્યાંનું દ્રશ્ય જોઈ અધિકારીઓ ચોંકી ગયા હતા. અહીં જેસીબી મશીનથી તાપીમાંથી રેતી ઉલેચી ટ્રકમાં નાંખવામાં આવી રહી હતી.
રેતીચોરોને કોઈનો ડર નહીં હોય તેમ ગેરકાયદે રીતે રેતી ઉલેચી રહ્યાં હતાં. અધિકારીઓએ 1 જેસીબી મશીન, 2 રેતી ભરેલી ટ્રકો સહિત કુલ 40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સુરત જિલ્લા સેવા સદન ખાતે લઈ ગયા હતા. વધુમાં એવી માહિતી મળી હતી કે નાનપુરાનો ભદ્રેશ ભગત રેતીચોરીનો સૂત્રધાર છે. ભગત કોના આશીર્વાદથી રેતીચોરી કરી રહ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
સુરતમાં ખનિજ માફિયા બેફામ
તંત્ર દ્વારા અનેકોવાર દરોડા કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં છેલ્લાં કેટલાંય વર્ષોથી શહેર અને જિલ્લામાં રેતી-ખનિજ માફિયાઓ પોતાની પ્રવૃત્તિ અટકાવી રહ્યાં નથી. આ ખનિજ માફિયાઓ કોના આશીર્વાદથી તાપીમાંથી રેતી ઉલેચી રહ્યાં છે તે દિશામાં તપાસ થાય તો મોટા ખુલાસા થવાની શક્યતા રહેલી છે.