ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવાના મિશનમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાણંદ ખાતે કેઈન્સ ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત હવે માત્ર પરિવર્તનનું સાક્ષી નથી પરંતુ ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરવા તૈયાર છે.
સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે નવો સેતુ
ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ મંત્રને ચરિતાર્થ કરે છે. આ પ્લાન્ટમાં બનતા ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPM) કેલિફોર્નિયાની કંપનીઓને સપ્લાય કરવામાં આવશે. સાણંદમાં બનેલી ચિપ્સ અમેરિકા જશે અને ત્યાંથી સમગ્ર વિશ્વને ઉર્જા આપશે. આ સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે એક મજબૂત સેતુ સમાન છે.
ભારતની ઝડપી સેમિકન્ડક્ટર સફર
પીએમ મોદીએ ભારતની આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિની ગતિ પર ભાર મૂકતા નોંધ્યું કે ગયા મહિનાની ૨૮ તારીખે આપણે માઈક્રોન પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું હતું અને બરાબર એક મહિનામાં આજે કેઈન્સ પ્લાન્ટ કાર્યરત થયો છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ જે તેજીથી વિકસી રહી છે તેનો પુરાવો છે.
સેમિકન્ડક્ટર મિશન ૨.૦ અને આત્મનિર્ભરતા
- ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન: ૨૦૨૧માં શરૂ થયેલું આ મિશન માત્ર ઉદ્યોગ નીતિ નથી, પણ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે.
- ભવિષ્યનું આયોજન: સરકારે હવે ‘સેમિકન્ડક્ટર મિશન ૨.૦’ જાહેર કર્યું છે, જેનો ઉદ્દેશ્ય મટીરિયલ અને ઇક્વિપમેન્ટનું સ્થાનિક ઉત્પાદન વધારીને ‘ફુલ-સ્ટેક’ ઇકોસિસ્ટમ બનાવવાનો છે.
- રોકાણ: હાલમાં દેશના ૬ રાજ્યોમાં ₹૧,૬૦,૦૦૦ કરોડથી વધુના ૧૦ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
કેઈન્સ ટેકનોલોજીના નેતૃત્વ અને ગુજરાત સરકારને અભિનંદન આપતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સનો મોટો હિસ્સો નિકાસ માટે પહેલેથી જ બુક થઈ ગયો છે, જે “મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ”ના મંત્રને સાકાર કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સાણંદમાં બનતા મોડ્યુલ્સ અમેરિકા સહિત વિશ્વભરમાં પહોંચશે, જેના કારણે ભારત વિશ્વસનીય સેમિકન્ડક્ટર સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે. “આ માત્ર ઉત્પાદન નહીં, પરંતુ વૈશ્વિક બજારમાં ભારતની વિશ્વસનીયતા વધારવાનો પ્રયાસ છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
સેમિકન્ડક્ટર ક્ષેત્રની વ્યૂહાત્મક મહત્વતા સમજાવતા તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા AI, ઇલેક્ટ્રિક વાહન, ક્લીન એનર્જી અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં પણ મજબૂતી લાવે છે. તેમણે યાદ અપાવ્યું હતું કે 2021માં શરૂ કરાયેલ ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ માત્ર ઔદ્યોગિક નીતિ નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસની જાહેરાત છે.
મિશનની પ્રગતિ અંગે માહિતી આપતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે દેશમાં રૂ. 1.60 લાખ કરોડથી વધુના 10 પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. તેમણે સ્વદેશી ‘ધ્રુવ-64’ માઇક્રોપ્રોસેસર તથા ‘ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ’ જેવા કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો, જેના માધ્યમથી દેશની ટેકનોલોજી ક્ષમતા વધારી રહી છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારત હવે ‘સેમિકન્ડક્ટર મિશન 2.0’ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં સાધનો અને કાચા માલના સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે. “અમારો હેતુ ફુલ-સ્ટેક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભું કરવાનો છે,” એમ તેમણે કહ્યું.
વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મહામારી અને ભૂરાજકીય સંઘર્ષોના કારણે સપ્લાય ચેઈનમાં અવરોધો આવ્યા છે, અને આવા સમયમાં ભારત જેવી લોકશાહી દેશની ભૂમિકા વિશ્વ માટે મહત્વપૂર્ણ બની જાય છે.
કૌશલ્ય અને ટેકનોલોજીનું ગઠબંધન
વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત માત્ર મશીનો જ નહીં પણ કુશળ માનવબળ પણ તૈયાર કરી રહ્યું છે. દેશમાં ૮૫,૦૦૦ ડિઝાઇન પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય છે. ‘ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ’ કાર્યક્રમ હેઠળ ૪૦૦ યુનિવર્સિટીઓને આધુનિક ટૂલ્સ આપવામાં આવ્યા છે, જેનાથી ૫૫ થી વધુ સ્વદેશી ચિપ્સ ડિઝાઇન થઈ ચૂકી છે.
રેર અર્થ કોરિડોર અને કાચા માલની સુરક્ષા
સેમિકન્ડક્ટર માટે જરૂરી કાચા માલ માટે ભારત સજ્જ થઈ રહ્યું છે. ઓડિશા, આંધ્ર, તમિલનાડુ અને કેરળને જોડતો ‘રેર અર્થ કોરિડોર’ બનાવવાની જાહેરાત કરાઈ. નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન દ્વારા ખનિજોના ઉત્ખનન અને રિસાયક્લિંગ પર ભાર મુકાયો.
તેમણે આ દાયકાને ભારતનું ‘ટેકેડ’ (Techade)ગણાવતા જણાવ્યું હતું કે આ સમયગાળો માત્ર આર્થિક સ્પર્ધાનો નથી પરંતુ ભવિષ્યના ટેક લેન્ડસ્કેપને આકાર આપવાનો છે. AI, ડિજિટલ ઇન્ડિયા અને ફિનટેક ક્ષેત્રોમાં ભારતની પ્રગતિનો ઉલ્લેખ કરીને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સેમિકન્ડક્ટર ક્ષેત્રનો વિકાસ દેશને નવી ઊંચાઈએ પહોંચાડશે. અંતમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 21મી સદીનું ભારત માત્ર પરિવર્તનનું સાક્ષી નથી, પરંતુ પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે સંકલ્પબદ્ધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કેઈન્સ પ્લાન્ટ ભારતને “ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ” બનાવવાના માર્ગે વધુ મજબૂત બનાવશે.