પાંચ દાયકાના સૈન્ય શાસન પછી દક્ષિણ પૂર્વ એશિયાના દેશ મ્યાન્મારે લોકશાહી ભણી નોંધપાત્ર પ્રગતિ કર્યા પછી અચાનક એક જોરદાર બદલાવ સાથે તેના સૈન્યએ સોમવારે તખ્તો પલટાવીને સત્તાના સુકાન પોતાના હાથમાં લેવાની સાથે નોબલ વિજેતા આંગ સાન સુ કી સહિતના વરિષ્ઠ રાજકારણીઓને હિરાસતમાં લીધા હતા.
સૈન્યના અધિકાર હેઠળની માયવાડ્ડી ટીવી પર એક જાહેરાતમાં કહેવાયું હતું કે કમાન્ડર ઇન ચીફ સીનિયર જનરલ મિન આંગ હૃલાઇંગ એક વર્ષ માટે દેશના પ્રભારી રહેશે. તેમણે કહ્યું હતું કે આ કબજો જરૂરી હતો, કારણકે સરકારે જેમાં સુ કીની સત્તારૂઢ પાર્ટીએ મોટાપાયે સંસદીય સીટ જીતી હતી તે નવેમ્બરની ચૂંટણીમાં છેતરપીંડીના સૈન્યના દાવા પર કોઇ કાર્યવાહી કરી નહોતી અને કોરોનાવાયરસ રોગચાળા છતાં ચૂંટણી યોજવા આગળ વધવાનો નિર્ણય કરાયો હતો.
સવારે દેશનું નવું સંસદીય સત્ર શરૂ થવાનું હતું તે સમયે જ સત્તા પર આ કબજો કરવામાં આવ્યો હતો. સૈન્યએ પોતાના આ પગલાને યોગ્ય ગણાવી રાષ્ટ્રીય કટોકટીના સમયે સત્તા પર અંકુશ આણવાની બંધારણના એક મુસદ્દામાં તેમને મંજૂરી મળી હોવાનું કહ્યું હતું. જો કે સુ કીના પક્ષના પ્રવક્તાની સાથે જ ઇન્ટરનેશનલ ઓબ્ઝર્વરોએ તેને તખ્તા પલટા સાથે સરખાવ્યું હતું.
1962થી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય અલગાવની સાથે જ આકરા સૈન્ય શાસનના દશકાઓમાંથી બહાર આવવા મથી રહેલા મ્યાન્માર માટે આ નાટ્યાત્મક પીછેહઠ સમાન છે. સાથે જ તે દેશને લોકશાહી ભણી લઇ જવા માટે વર્ષો સુધી નજરકેદમાં રહેલા સુ કી માટે સત્તામાંથી ચોંકાવનારી રૂખસદ સમાન પણ હતું.