આણંદ : આણંદ શહેર નજીકના સામરખા ગામે આવેલા એક્સપ્રેસ વેનું નાળું ખૂબ જ સાંકડું છે. તેમાંથી એક જ વાહન પસાર થઇ શકે તેમ હોવાથી ઘણી વખત બસ કે અન્ય ભારે વાહન નાળામાંથી પસાર થાય તે સમયે ટ્રાફિક જામ થાય છે. આ નાળું પહોળું કરવાં છેલ્લા બે દાયકાથી રજુઆત કરવામાં આવે છે. આમ છતાં પગલાં ભરાતાં નથી. વધુ એક વખત ગ્રામ પંચાયત દ્વારા સાંસદને રજુઆત કરી નાળું પહોળું કરવા માંગણી કરવામાં આવી છે.
આણંદના ભાલેજ રોડ સામરખા એક્સપ્રેસ હાઇવે નાળુ સાકડું હોવાને કારણે સામરખાના ગ્રામજનો તથા આણંદથી ભાલેજ, લીંગડા અને ડાકોર તરફથી આવતા રાહદારીઓને ટુ – વ્હીલર, ફોર વ્હીલર જેવા સાધનો અટવાઇ જાય છે. ખાસ કરીને નોકરિયાત તથા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓના આણંદ જવા – આવવાના સમયે સામરખા એક્સપ્રેસ હાઈવેનું સાકડું નાળું હોવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે, ઝઘડા, મારામારી જેવી પરિસ્થિતિ પણ ઉભી થાય છે.
આ માર્ગ રાજ્ય ધોરી માર્ગ આણંદ – ડાકોર – ગોધરાને જોડતો હોવાને કારણે વાહનોની અવર જવર વધારે હોવાથી ટ્રાફિક સમસ્યા રહે છે. નાળા નીચે એસટી બસ તથા 108 જેવી એમ્બ્યુલન્સ અને કાર, 2 વ્હીલર નાળાની અંદર આમને – સામને આવી જતા ભારે માત્રામાં ભીડ થાય છે. હાલમાં આ નાળામાંથી માત્ર એક જ ફોર વ્હીલર વાહન પસાર થઇ શકે તેમ છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે આવી ટ્રાફિકની સમસ્યાને કારણે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં મોડા પહોંચેલા હોવાના કારણે પરીક્ષા આપવાથી પણ ચુકી ગયાં છે. જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘણું નુકશાન થયું છે.
તેમ છતાં આ રોડ માટે સામરકા ગામના કેટલાક ખેડૂતોએ પોતાની જમીનનો ભાગ આપ્યો છે અને જમીન વિહોણા પણ થયા છે. આવા ખેડૂતોને જમીન ન હોવાના કારણે કામ – ધંધા માટે આણંદ શહેર તરફ જવાનું હોવાથી તથા 108 એમ્બ્યુલન્સમાં અને ખાનગી એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓના ટ્રાફિક હોવાના કારણે જીવને જોખમ પણ થઇ શકે તેમ છે. ઘણી માતા – બહેનો ડિલિવરી સમયે પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે. આ નાળાની નીચે ટ્રાફિકના સાધનોને રિવર્સ લેવા માટે ઝઘડા, મારામારી જેવા બનાવો બનતાં રહે છે.
આવી ટ્રાફિક સમસ્યાનું હલ કરવા માટે એકથી બે કલાક જેટલો સમય પસાર થઇ જાય છે. તેને કારણે સવારે ગામડેથી શહેર તરફ જતા નોકરિયાત વ્યક્તિઓ, ધંધાદારીઓ અને વિદ્યાર્થીઓનો સમય વેડફાઇ જાય છે. જેથી કરી સામરખા એક્સપ્રેસ હાઈવેના નાળાની પહોળાઇ વધારવા માટે ગ્રામજનો તથા રાહદારીઓને પડતી અગવડતા અને મુશ્કેલીઓનો હલ ટુંક સમયમાં કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ભૂખ હડતાલ કરવા માટે ગ્રામજનો સજજ છીએ.