ભારતીય પ્રજાસત્તાક દિન નિમિતે ભારતનાં વિશેષ મહેમાન બનેલા ઈન્ડોનેશિયાના પ્રમુખ શ્રી પ્રોબોવો સુબીયાંટો કે જેઓ મુસ્લિમધર્મી છે. તેઓએ પોતાનું DNA ભારતીય છે કહીને પોતાના દેશની બહુમતી મુસ્લિમ પ્રજા કે જે હિન્દુ સાંસ્કૃતિક પરંપરાથી રંગાયેલી છે તેના આત્માના અવાજને ઉજાગર કર્યો છે. ઈન્ડોનેશિયામાં રહેતી હિન્દુ લઘુમતી આબાદીને ત્યાં કોઈ પાકિસ્તાન કે હાલ બાંગલા દેશમાં થતી હેરાનગતિ જેવા કોઈ સમાચાર આ ચર્ચાપત્રીના વાંચવા-સાંભળવા કે જોવામાં આવ્યા નથી. ઉપરાંત પૂર્વ ઇન્ડોનેશિયન પ્રમુખ સુકર્નોનાં પુત્રી સુકમાવતીએ પોતે હિન્દુ ધર્મ સ્વીકાર્યો ત્યારે તેમનાં પુત્ર વગેરે કુટુંબીજનોએ પોતે મુસ્લિમ રહીને પણ તેમને સાથ આપ્યો. આ રીતે ઇન્ડોનેશિયન પ્રજા, ભલે મુસ્લિમ હોય તો પણ, ઉદારમતવાદી વલણને કારણે આદરપાત્ર બને છે. જો કે અન્ય ધર્મો પ્રત્યે ઉદારતાનો ટ્રેન્ડ હાલ આરબ દેશો અને પાકિસ્તાનમાં પણ રાજકારણી અને લશ્કર સિવાય, ભલે થોડે અંશે પણ, સામાન્ય પ્રજામાં જોવા મળે છે તેથી તેઓ આદરપાત્ર છે.
સુરત – પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દરિયો અને નદી બંને ધરાવતું શહેર
તાપી જેવી મોટી નદી અને દરિયો એમ બંનેનો સુભગ સમન્વય ધરાવતું શહેર એટલે સુરત. થોડા સમય પહેલાં થયેલ સુંવાલી બીચ ફેસ્ટીવલમાં 2.5 લાખ લોકોની હાજરી નોંધાઇ હતી. વળી 50 હજાર લોકો તો સીટી બસ દ્વારા પહોંચ્યાં હતાં. એ દર્શાવે છે કે શહેરને ટુરીસ્ટ સ્પોટની કેટલી જરૂર છે. ભવિષ્યમાં અહીં રીવરફ્રન્ટ બનશે. પણ કયારે તે સાકાર થશે તે કહી શકાય નહિ. કારણ કે સાબરમતિ રીવરફ્રન્ટનું કામ 2005માં ચાલુ થયું અને 2015માં પૂર્ણ થયું હતું. જયારે અહીં હજુ શરૂ થયું નથી તો પૂર્ણ કયારે થશે અને લોકોને કયારે ઉપયોગમાં આવશે તે કહી શકાય નહિ. બીજું કે અહીં દરિયો હોવા છતાં ઇન્ડિયન નેવીનો બેઝ કે એકેડેમી નથી.
સરકાર દ્વારા કે સરકારી કંપની દ્વારા સંચાલિત ડોક યાર્ડ નથી. મુંબઇ, કોલકાતા, ગોવા અને સુરત કરતાં ખૂબ જ નાના એવા વિશાખાપટ્ટનમ અને કોચીનમાં ડોક યાર્ડ આવેલા છે. 15.1.25ના રોજ આઇએનએસ સુરત ઇ.નેવીને સોંપવામાં આવ્યું તે ખૂબ જ ગૌરવપ્રદ વાત છે. આવા ડોકયાર્ડ સુરતના દરિયા કાંઠે હોય તો તે સુરતને વધુ ગૌરવ અપાવશે. અમદાવાદમાં સ્પેસ રીસર્ચ માટે ઇસરો છે. વડોદરામાં રેલવે યુનિવર્સિટી અને એરબેઝ છે. જો સુરતમાં પણ નેવીનો બેઝ કે એકેડેમી, કોસ્ટ ગાર્ડ બેઝ, કે ડોક યાર્ડ જેવું કંઇક હોય તો સુરતનાં યુવાનોને રોજગારી પણ મળી રહે અને સુરતનું નામ દેશમાં વધુ જાણીતું થશે. આ શહેરને કુદરતે દરિયો અને નદી બંને આપેલાં છે તો તે સાર્થક થશે. કારણ કે દરિયો અને નદી બંને હોય એવા આ દેશમાં કેટલાં શહેર હશે?
સુરત – વિકાસ કોઠારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
