Business

શ્રેષ્ઠતાને નમન

એક નાનકડા ગામમાં સરકારી સ્કૂલમાં એક નવા માસ્તરજી આવ્યા. આખું ગામ માસ્તરજીના નામે જ ઓળખતું. તેમનું નામ હતું અવિનાશ. અવિનાશ માસ્તરજીએ પોતાનું જીવન શિક્ષણને સમર્પિત કર્યું હતું અને તેમના વિચારો ખૂબ ઉચ્ચ હતા. રોજ સવારે તેઓ વિદ્યાલય જવા નીકળતા ત્યારે રસ્તામાં જે મળે તે બધાને ઝૂકીને પ્રણામ કરતા, પછી તે દૂધવાળો હોય કે ઝાડુવાળો હોય કે ચોકીદાર હોય કે પોતાની શાળામાં ભણતો નાનકડો છોકરો હોય.

દરેકે દરેકને તેઓ હસીને નમસ્કાર કરતા. ઝૂકીને પ્રણામ કરતા. આવું તેઓ હંમેશા અને રોજ બધાની સાથે કરતા.ગામના બધાં લોકોને નવાઈ લાગતી કે માસ્તરજી તો મોટા કહેવાય. આપને તેમને પ્રણામ કરવા જોઈએ. તેને બદલે તેઓ બધાને નમન કરતા રહે છે. આમ કેમ કરતા હશે.ગામના ચોકમાંથી પસાર થતાં અવિનાશ માસ્તરજીએ ચોકમાં બેઠેલાં વડીલોને પણ પ્રણામ કર્યા. એક વડીલે હસતાં હસતાં કહ્યું, ‘‘ અરે, માસ્તરજી તમે તો માસ્તરજી છો … શિક્ષક છો અને શિક્ષક તો પૂજનીય હોય. તમે શું કામ બધાને ઝૂકી ઝૂકીને પ્રણામ કરો છો? તમારું સ્થાન તો ગુરુનું છે તમારી સામે તો બધા જ તમારાથી નાના છે.’’

 અવિનાશ માસ્તરજીએ હસીને જવાબ આપ્યો, ‘‘ વડીલ,કોઈ મોટું… કોઈ નાનું નથી હોતું…અને હું બધાને ઝૂકીને પ્રણામ કરું છું તેનું એક ખાસ કારણ છે.’’ બીજા વડીલે પૂછ્યું, ‘‘ એવું તે શું ખાસ કારણ છે કે તમારે ગુરુ થઈને બીજાને પ્રણામ કરવા પડે છે?’’ અવિનાશ માસ્તરજી બોલ્યા, ‘‘હું માનું છું કે મારી સામે જે વ્યક્તિ છે તેની પાસે કંઈક ને કંઈક એવું ચોક્કસ છે જેમાં તે મારાથી શ્રેષ્ઠ છે. કોઈ મહેનતમાં મારાથી વધુ શ્રેષ્ઠ છે, કોઈ સહનશીલતામાં મારાથી વધુ શ્રેષ્ઠ છે, કોઈ સાદગીમાં મારાથી વધુ શ્રેષ્ઠ છે, કોઈના વિચારો મારાથી વધુ સારા છે… તેની ઉંમર નાની હોય.. તેનું પદ નાનું હોય ભલે પણ તે કોઈક ને કોઈક બાબતમાં તો મારાથી શ્રેષ્ઠ છે જ અને હું તે વ્યક્તિમાં રહેલી શ્રેષ્ઠતાને પ્રણામ કરું છું.

આવડત અને ગુણને નમન કરું છું.’’  વડીલોને માસ્તરજીનો જવાબ બહુ ગમ્યો. બધા વડીલોએ ઊઠીને માસ્ટરજીને માથું નમાવીને નમસ્કાર કર્યા અને પછી તો ધીમે ધીમે આખા ગામમાં દરેકે દરેક જણ એકબીજાને નમીને નમસ્કાર કરે તેવું વાતાવરણ થઈ ગયું.  સામેવાળામાં રહેલી શ્રેષ્ઠતાને નમન હંમેશા કરવું અને સદા વિનમ્ર રહેવું એ જીવનનું સૌથી મોટું આભૂષણ છે. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ગુણ આવડત શોધીને તે બાબતને પ્રણામ કરવા બહુ જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top