પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈએ હમણાં એક ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું કે; “ભારતનું ન્યાયતંત્ર કથળેલું છે. કોઈ કોર્ટનાં પગથિયાં ચડવા માંગતું નથી. તમે પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા ઈચ્છો છો, પરંતુ ન્યાયતંત્ર ખસ્તાહાલ અને જર્જરિત છે એનું શું?” આ એ જ રંજન ગોગોઈ છે જેમને ભાજપે રાજ્ય સભાના સભ્ય બનાવ્યા છે.. અલબત્ત..! એમણે ખોટું કશું કહ્યું નથી, પરંતુ વર્તમાન સરકારના સભ્ય હોઈ એમનું આ પ્રકારનું નિવેદન અવશ્ય આશ્ચર્યજનક અને ધ્યાનાર્હ બની રહે છે.
આજ રંજન ગોગોઈ અને અન્ય ત્રણ ન્યાયાધીશોએ ૨૦૧૮ માં પત્રકાર પરિષદ ભરીને કહ્યું હતું કે; અમે મુક્ત રીતે કામ કરી શકતાં નથી. અમારા પર ચોક્કસ કામ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તે વખતે દેશમાં હોબાળો મચી ગયો હતો. એટલું જ નહીં, વચ્ચે તો કોઇ જાહેર કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક ન્યાયાધીશ માઇક પરથી બોલતાં બોલતાં રડી પડેલા. આના પરથી ફલિત થાય છે કે ન્યાયતંત્ર પર સરકારનું કેટલું દબાણ હશે?
લોકશાહીના ચાર સ્તંભમાંથી એક સ્તંભ એવું ન્યાયતંત્ર પણ પોતાની રીતે કામ કરવાને માટે સ્વતંત્ર ન હોય ત્યારે કેવી અરાજકતા વ્યાપે તે વર્તમાનમાં જોઈ શકાય છે. જ્યારે દેશમાં બધાં જ કામોમાં ઝડપ અને ગતિ આવી ગઈ હોય તો ન્યાયતંત્ર કેમ હજુ એ બાવા આદમના જમાનાની જેમ ગોકળગાયની ગતિએ ચાલે છે? આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં જ્યારે આટલાં અદ્યતન અને વિપુલ સાધનો ઉપલબ્ધ હોવા છતાંય ન્યાયતંત્ર કેમ આટલું મંથર ગતિએ અને ઢીલું ચાલી રહ્યું છે?
દેશમાં કરોડો કેસો ન્યાય માટે ફાઇલોમાં તરફડતાં હોય ત્યારે ન્યાયતંત્રમાં વેકેશન પડે એ કેટલે અંશે ઉચિત ગણાય? જ્યારે કરોડો કેસોનું ભારણ ન્યાયતંત્ર પર હોય ત્યારે રાત-દિવસ ન્યાયતંત્રને ચલાવીને કેસોનું ભારણ કેમ ઓછું કરવામાં આવતું નથી? પ્રજાને ન્યાય સચોટ, સાચો, સસ્તો અને ત્વરિત મળે, એ માટે સરકાર કેમ કોઈ પગલાં ભરતી નથી?
ગરીબ માણસ માટે ન્યાયાલયનાં પગથિયાં ચડવાં કેમ દુષ્કર અને કઠિન બનતાં જાય છે? 20 – 25 વર્ષે ચુકાદો આવે એ શું અન્યાય બરાબર નથી? (justice delayed is justice denied) સરકાર જ જો ન્યાયાલય પર પલાંઠી વાળીને બેસી જતી હોય, તો પછી પ્રજા કઈ રીતે ન્યાય માટે પગભર થઈ શકે?
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.