મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમ ચાહકોની મનપસંદ ફ્રેન્ચાઇઝીમાંથી એક છે. હવે ટૂંક સમયમાં જ આ યુનિવર્સની નવી ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ થિયેટર્સમાં રિલીઝ માટે તૈયાર છે અને ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ હવે આવી રહેલા સમાચાર ચાહકોને થોડા નિરાશ કરી શકે છે.
થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેઈન’માં સુપરસ્ટાર સલમાન ખાન પણ તેના સુપરકોપ અવતારમાં જોવા મળશે. અહેવાલો અનુસાર સલમાન ખાન ‘સિંઘમ અગેન’માં ચુલબુલ પાંડેનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. પરંતુ હવે મેકર્સે પ્લાન બદલ્યો છે. ચાહકોને સિંઘમ અગેઈન ફિલ્મમાં સિંઘમ અને ચુલબુલ પાંડેની દોસ્તી જોવા નહીં મળે.
એક રિપોર્ટ અનુસાર ‘સિંઘમ અગેઈન’ માટે સલમાનનો કેમિયો 14 ઓક્ટોબરે શૂટ થવાનો હતો પરંતુ 12 ઓક્ટોબરે સલમાનના ખાસ મિત્ર રાજકારણી બાબા સિદ્દીકીની હત્યા થઈ. બાબાના મૃત્યુ બાદ ‘સિંઘમ અગેઈન’ના નિર્માતાઓએ સલમાનનો કેમિયો કેન્સર કર્યો છે.
રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સિંઘમ અગેઈનમાં કેમિયો માટે સલમાન ખાનનું એક દિવસનું શૂટિંગ ગોલ્ડન ટોબેકો, મુંબઈ મેનન ખાતે પ્લાન કરાયું હતું. પરંતુ બાબા સિદ્દીકીના મૃત્યુ બાદ શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. રોહિત શેટ્ટી અને અજય દેવગણે બાબા સિદ્દીકીની હત્યા બાદ ચર્ચા કરી હતી. બંનેને લાગ્યું કે બાબા સિદ્દીકીની હત્યા અને ત્યાર બાદ ઉઠેલા વિવાદ વચ્ચે સલમાનને કેમિયોના શૂટિંગ માટે રિક્વેસ્ટ કરવી અસંવેદનશીલ રહેશે. તેઓ સલમાનને ડિસ્ટર્બ કરવા માંગતા નહોતા.
વળી, રોહિત અને અજયએ ફિલ્મને સેન્સર બોર્ડને મોકલવાની હતી, જેના માટે તેઓ ખૂબ જ ટાઈટ શેડ્યૂલ ફોલો કરી રહ્યા હતા. ‘સિંઘમ અગેઈન’ને 18મી ઓક્ટોબર સુધીમાં સેન્સર માટે સબમિટ કરવાની હતી અને આવી સ્થિતિમાં સલમાન સાથે શૂટિંગ શક્ય નહોતું. તારીખમાં ફેરફાર ફિલ્મને મુશ્કેલીમાં મુકી શકે તેમ હતી. તેથી સલમાનનો કેમિયો રદ કરવાનું નક્કી કરાયું હતું.
ચુલબુલ પાંડે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે
દબંગ સ્ટાર ચુલબુલ પાંડેનું પાત્ર ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે. આવી સ્થિતિમાં સિંઘમના યુનિવર્સમાં પાંડેની એન્ટ્રીને જોવા ચાહકો ખૂબ રોમાંચિત હતા. પરંતુ હવે સલમાનનો કેમિયો ન હોવાને કારણે ચાહકોનું દિલ ચોક્કસપણે તૂટી જશે. ‘સિંઘમ અગેઈન’માં રોહિતના તમામ મોટા કોપ પાત્રો – સિંઘમ, સૂર્યવંશી અને સિમ્બા એક સાથે આવવાના છે.
જ્યારે ‘લેડી સિંઘમ’ના રોલમાં દીપિકા પાદુકોણ અને એસીપી સત્યાના રોલમાં ટાઈગર શ્રોફ આ યુનિવર્સમાં જોડાવા જઈ રહ્યા છે. ‘સિંઘમ અગેઈન’ 1 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે અને તેની ટક્કર કાર્તિક આર્યન સ્ટારર ‘ભૂલ ભૂલૈયા 3’ સાથે છે.