Entertainment

‘બાબા સિદ્દીક જેવા હાલ થશે’, સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી

મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દુશ્મની ઘણી જૂની છે અને તાજેતરની ઘટનાઓ બાદ આ મામલો વધુ ગંભીર બનતો જોવા મળી રહ્યો છે. એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાબા સિદ્દીકી પણ સલમાનના મિત્ર હતા અને બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે તેમની ગાઢ મિત્રતા હતી. દરમિયાન હવે મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે.

મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આ ધમકીભર્યો મેસેજ આવ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની ખતમ કરવા માટે અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ‘આને હળવાશથી ન લો, નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.’ આ મામલે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પહેલા મુંબઈ પોલીસે સલમાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક આરોપીની ધરપકડ કરી હતી. બુધવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હરિયાણાના પાણીપતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વ્યક્તિનું નામ સુખા છે. તે બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે અને તેને નવી મુંબઈ લાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મુંબઈ પોલીસ અને હરિયાણા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં લોરેન્સ બિશ્નોઈના આ શાર્પ શૂટરને પાણીપતથી પકડવામાં આવ્યો હતો. વર્ષ 2022 માં, લોરેન્સ અને ગોલ્ડી બ્રારના કહેવા પર, સુખાએ મુંબઈમાં સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની રેસી કરી હતી. રેકી પછી સુખા સલમાન પર હુમલો કરવાનો હતો, પરંતુ તેનો પ્લાન નિષ્ફળ ગયો. બિશ્નોઈના શૂટર્સે વર્ષ 2022માં સલમાનને મારવા માટે ઘણી વખત ફાર્મ હાઉસની રેકી કરી હતી, પરંતુ હુમલાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. શૂટરોએ ફાર્મ હાઉસના ગાર્ડ સાથે મિત્રતા પણ કરી લીધી હતી.

સલમાનનો પરિવાર ડરી ગયો છે
સલમાન ખાન સાથે સંબંધિત એક સૂત્રએ જણાવ્યું હતું કે અભિનેતાનો પરિવાર અને તેના મિત્રો બહાદુરી બતાવી રહ્યા હોવા છતાં તે અંદરથી ખૂબ જ પરેશાન અને ડરેલા છે. તેઓ એવી આશા પણ સેવી રહ્યા છે કે સરકાર અને પોલીસ આ કેસ સાથે સંબંધિત સાચા ગુનેગારને પકડી લેશે.

સલમાન ખાન સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે મામલો વાસ્તવમાં લોકોને જે કહેવામાં આવી રહ્યો છે તેના કરતા મોટો હોઈ શકે છે. બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનને મળેલી ધમકી પર સૂત્રએ કહ્યું હતું કે, સ્વાભાવિક રીતે લોરેન્સે આ બધાની જવાબદારી લીધી છે. પરંતુ ઘણાને લાગે છે કે આ બધું નાટક કોઈ મોટા ષડયંત્રને છુપાવવા માટે કરવામાં આવી રહ્યું છે. શું કોઈ માટે જેલમાંથી આ બધું કરવું આટલું સહેલું છે? વળી, સલમાનને ડરાવવા માટે કોઈ બાબા સિદ્દીકી પર હુમલો કેમ કરશે તે અંગે પણ અનેક સવાલો ઉભા થાય છે.

Most Popular

To Top