સલમાન ‘ભાઇ’ના નામ પર કોઇ પણ ફિલ્મ ચાલી શકે છે એ વાતનો ખ્યાલ એના પરથી આવશે કે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’ ને સમીક્ષકોએ ત્રણથી વધારે સ્ટાર આપવાનું ટાળ્યું છે અને ‘IMDB’ પર તેની અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી ઓછું રેટિંગ મળ્યું છે ત્યારે ઓટીટી પર વિક્રમસર્જક 42 લાખ વ્યૂઝ મળ્યા છે અને રૂ.130 કરોડની કમાણી થઇ છે.
‘રાધે’ ને ‘પે પર વ્યૂ’ પધ્ધતિથી રજૂ કરવાથી લાભ થતાં આગામી સમયમાં જે મોટી ફિલ્મો થિયેટરો બંધ હોવાથી અટકી છે તે આ રસ્તે આગળ વધી શકે છે. જો કે, સલમાને ફિલ્મને થિયેટરોમાં પણ રજૂ કરવાની વાત કરી હતી પરંતુ કોરોના મહામારીની બીજી લહેરને કારણે ફિલ્મ એકમાત્ર ઓટીટી પર રજૂ થઇ શકી. ‘રાધે’ને વિદેશોમાં માત્ર થિયેટરોમાં જ રજૂ કરવામાં આવી છે. ત્યાં ઓટીટી પર હજુ રજૂ કરી નથી. ભારતમાં ‘રાધે’ ને ઓટીટી પર રજૂ કરતાં પહેલાં સલમાને સોશ્યલ મીડિયા પર એક વીડિયો મૂકી પોતાના પ્રશંસક દર્શકો પાસે ફિલ્મને અધિકૃત પ્લેટફોર્મ પર જોવાનું કમિટમેન્ટ માગ્યું હતું અને પાઇરેટેડ વેબસાઇટસ પર જોવાની ના પાડી હતી. મોટી સંખ્યામાં દર્શકોએ સલમાનની એ અપીલને સાંભળીને અમલ કર્યો છે ત્યારે પ્રશ્ન એ થાય કે શું સલમાને પોતાનું મનોરંજન આપવાનું કમિટમેન્ટ પાળ્યું છે? તો એમ કહી શકાય કે સલમાને એ કમિટમેન્ટ પૂરું કર્યું છે કે હું જેવી ફિલ્મો બનાવતો આવ્યો છું એવી જ બનાવતો રહીશ. એમ કહેવાય છે કે ત્રણ પ્રકારની ફિલ્મો હોય છે. એક સારી, એક ખરાબ અને એક સલમાન ખાનની ફિલ્મ.
‘રાધે’ માત્ર સલમાન ખાનની જ ફિલ્મ છે એટલે ફિલ્મની વાર્તાને ‘ઘીસીપીટી’ કહેવાને બદલે ‘સલમાન ટાઇપ’ ની કહેવી પડશે કેમ કે એમાં એની જ જૂની ફિલ્મોને દોહરાવવામાં આવી છે. તેના ચહેરા પર નવા હાવભાવ જોવાની અપેક્ષા દર્શકો રાખતા નથી એ સારું છે. તેથી સલમાન પોતાની ફિલ્મોની ‘જાન’ બની રહે છે. અલબત્ત તેનો પર્ફોર્મન્સ જોરદાર હોવા છતાં સ્ટારડમ પ્રમાણે નથી. સલમાનના ચાહકોને વાર્તા, લોજિક, હીરોઇનો કે બીજી કોઇ વાત સાથે મતલબ હોતો નથી. તેમને સલમાનના એક્શન અને રોમાન્સ સાથે મતલબ હોય છે. દિશા પટની શોપીસ તરીકે છે. હમણાં એક ફિલ્મી વેબસાઇટે તેના દસ સૌથી બોલ્ડ બિકીની લુક બતાવ્યા હતા. એ પરથી જ ખ્યાલ આવશે કે તેના અભિનય કરતાં લુકને જ વધુ પસંદ કરવામાં આવે છે અથવા એ જ એની પાસે છે ત્યારે ફિલ્મમાં દિશાનાં દ્રશ્યો જ્યારે આવે છે ત્યારે વાર્તાની દિશા ભટકી જાય છે એવી ખામી કાઢવાનો કોઇ મતલબ રહેતો નથી.
વાર્તા પ્રમાણે જોઇએ તો ફિલ્મમાં દિશાની કોઇ જરૂર જ ન હતી. બંનેનો રોમાન્સ જબરદસ્તી ઉમેરવામાં આવ્યો છે. આમ તો સલ્લુભાઇની કોઇ ફિલ્મમાં હીરોઇનની જરૂર હોતી નથી છતાં સલમાનની ફિલ્મોથી જ ઘણી હીરોઇનોની કારકિર્દી ચાલે છે. સલમાને ‘રાધે’ માં જરૂર હોય કે ના હોય ‘બિગ બોસ’ ના વિજેતા ગૌતમ ગુલાટીને પણ તક આપી છે. તો ત્રીજા વિલન તરીકે ભૂતાનના એક આર્મી ઓફિસરને તેની બોડી જોઇને લઇ લીધો હતો. મુખ્ય વિલન તરીકે રણદીપ હુડ્ડા સૌથી વધુ પ્રભાવિત કરી જાય છે. જેકી શ્રોફને એની ભૂમિકામાં શું વિશેષ દેખાયું એ તો એ જ જાણે. કોમેડિયન પોલીસ ઓફિસર જેવી ભૂમિકામાં તે પ્રભાવિત કરતો નથી. સમીક્ષકો કહે છે કે સલમાનની ફિલ્મોની સમીક્ષા કરવાનો અર્થ રહેતો નથી. જેમને કોઇ કારણ વગર સલમાનની ફિલ્મ જોવી જ હોય છે એ સમીક્ષા વાંચતા નથી અને ફિલ્મનાં ગીતો માટે કહ્યું છે કે એના કારણે ફિલ્મની વાર્તા ધીમી પડવાની શક્યતા નથી કેમ કે વાર્તા જેવું કંઇ લાગતું જ નથી. અગાઉથી જ બધી ખબર પડી જાય છે. નિર્દેશક પ્રભુ દેવાની ‘રાધે’ ને ‘વૉન્ટેડ’ ની સીક્વલ કહેવામાં આવી છે પરંતુ એ વધુ સારી હતી.
પ્રભુદેવાએ ‘રાધે’ માં નવું કંઇ કર્યું નથી. ફિલ્મના એક્શન દ્રશ્યો મનોરંજન પૂરું પાડે છે. બોલિવૂડવાળા અત્યાર સુધી કોરિયન ફિલ્મોનાં એક્શન દ્રશ્યોની નકલ કરતા હતા. હવે તેમના જ ફાઇટ માસ્ટરોને બોલાવવા લાગ્યા છે. ફિલ્મનો ક્લાઇમેક્સ સારો હોવા છતાં એમ કહેવું પડે છે કે સલમાનની અગાઉની ફિલ્મોના ક્લાઇમેક્સ આનાથી વધુ સારા હતા.
ઓટોગ્રાફ!
‘રાધે’ વિશે ભલે ગમે તેટલા ખરાબ પ્રતિભાવ આવ્યા હોય પણ સલમાન ખાન સુપરસ્ટાર સાબિત થયો છે કેમ કે સુપરસ્ટારની ફિલ્મ ગમે તેટલી ખરાબ હોય તો પણ ચાલી જાય છે!